સુરત: સુરતમાં યુટ્યૂબ અને મોબાઇલ ફોન મારફતે લોભામણી જાહેરાતો આપીને લોકોને ઘેર બેઠાં રૂપિયા કમાવાની ઑફર આપી કરોડોના વળતર-રિટર્નની લાલચ આપતાં ગઠિયાઓએ મળીને મોટી છેતરપિંડી આચરી હતી. સમગ્ર કેસમાં અત્યાર સુધી કુલ રૂ. 55,94,921ની છેતરપિંડી સામે આવી છે. ‘ક્રાઇઝર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ’ એટલે કે ‘ક્રાઇઝર વર્લ્ડ’ નામની ફેક કંપનીના ફરાર ડાયરેક્ટર અનિલ શર્મા અને વિપુલ બાવિસ્કરને ઈકો સેલ, ક્રાઇમ બ્રાંચ સુરત શહેર પોલીસની ટીમે પકડવામાં સફળતા મેળવી છે.આ આરોપીઓએ ‘ક્રાઇઝર વર્લ્ડ’ નામની કંપનીના નામે ગૌરવ પથ રોડ, મોનાર્ક કોમ્પ્લેક્ષ, ઓફિસ નંબર C/428, 4માં માળે ઓફિસ ભાડેથી રાખી હતી. કેવિનભાઇ જનકભાઇ બ્રહ્મભટ્ટના નામે ઓફિસ કરારભૂત કરીને કાર્યશરૂઆત કરવામાં આવી હતી. આ કંપની દ્વારા યુટ્યુબ, મોબાઇલ ફોન અને મિત્રોની ભલામણના આધારે લોકોને મેમ્બર્સશીપ લેવાની અને ઘેર બેઠા કમાણી કરવાની લાલચભરી ઓફરો આપવામાં આવતી હતી.
Decision news ને મળેલી માહિતી મુજબ ફરિયાદી તથા સાહેદો પાસેથી રૂ. 2400થી શરૂ થતા અને પછી મૂડી પરત મળવાના વાયદા સાથે કુલ રૂ. 55.94 લાખ વસૂલવામાં આવ્યા હતા. દરેક સભ્યના નામે એક આઇડી બનાવવામાં આવતી અને દરેક નવા જોડાતા સભ્યે રૂ. 2400 ચૂકવવાથી એને 15 ડિજિટલ યુરો (અંદાજે રૂ. 1200) તેનાં આઇડી પર દેખાડવામાં આવતાં હતા. આ સમગ્ર વ્યવહાર crizer.website/crizer.network નામની વેબસાઇટની લિંક મારફતે ચલાવવામાં આવતો હતો. દરેક નવા જોડાતા સભ્યથી મળેલ રકમ જૂના સભ્યોના આઇડીમાં પોઇન્ટસ અથવા ડિજિટલ યુરોના રૂપમાં દર્શાવતી આવતી, જેના આધારે લોકોને ભવિષ્યમાં મોટી કમાણી થવાની લાલચ આપવામાં આવતી હતી.આ સમગ્ર કૌભાંડ એક જાળસાજીથી ભરેલું, પૂર્વનિયોજિત કાવતરું હતું.
આરોપીઓએ સામૂહિક રીતે કામ કરીને લોકોને લલચાવ્યાં, રોકાણ કરાવ્યાં અને ત્યારબાદ કોઇ વળતર આપ્યા વગર પૈસા લઇને ફરાર થઇ ગયાં હતા. આરોપીઓએ લોકોના વિશ્વાસ સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી હતી.આ અગાઉ મોહીતકુમાર કમલેશભાઇ પટેલ, કેવિનભાઇ જનકભાઇ બ્રહ્મભટ્ટ અને મહેશ દયાળભાઇ ગુસાઈ નામના ત્રણ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. હવે ફરાર ડાયરેક્ટર અનિલ સુરેશભાઈ શર્મા (ઉં.વ. 46, રે. પાલ, સ્વપ્નસૃષ્ટિ એપાર્ટમેન્ટ) અને વિપુલ શિવાજીભાઇ બાવિસ્કર (ઉં.વ. 34, રે. નિલકંઠ પાર્ક સોસાયટી, ખરવાસા રોડ, સુરત)ને ઇકો સેલ, ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે. આ બંને આરોપીઓને 26 મે, 2025ના રોજ ન્યાયાલયમાં રજૂ કરવામાં આવ્યા બાદ તેમને 26/05/2025 બપોરના 1 વાગ્યા સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજુર કરાયો છે. ક્રાઇમ બ્રાંચ હવે અન્ય સહયોગી આરોપીઓ અને શક્ય અન્ય ભોગ બનેલા લોકોને શોધવાની દિશામાં આગળ વધી રહી છે.

