વલસાડ: વલસાડ જિલ્લાના પારડીમાં 108 એમ્બ્યુલન્સ ટીમે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. ટીમે એક અકસ્માતગ્રસ્ત યુવાન પાસેથી મળેલી કિંમતી વસ્તુઓ પોલીસને સોંપી છે.23 મે 2025ની મોડી રાત્રે પરિયા ગામ નજીક અકસ્માતનો કોલ મળ્યો હતો.

Decision news ને મળેલી માહિતી મુજબ EMT માનસી પટેલ અને પાયલોટ વિરેન્દ્ર પટેલની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. અંદાજે 35 વર્ષીય અજાણ્યા યુવાનની બાઈક રસ્તા પર ઊભેલા ટ્રક સાથે અથડાઈ હતી. 108 એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં જ યુવાનનું મૃત્યુ થયું હતું.ઘટનાસ્થળે મૃતક પાસેથી દોઢ લાખ રૂપિયાની સોનાની ચેન અને પેન્ડલ મળ્યા હતા.

આ ઉપરાંત 75,000 રૂપિયાની કિંમતનો iPhone પણ મળ્યો હતો. 108ની ટીમે તાત્કાલિક પારડી પોલીસને જાણ કરી હતી. ટીમે કોઈ પણ લોભ રાખ્યા વિના તમામ કિંમતી વસ્તુઓ પોલીસને સોંપી દીધી હતી. આ ઘટના પારડી 108ના કર્મચારીઓની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને પ્રામાણિકતા દર્શાવે છે. તેમનું આ કાર્ય સમાજ માટે પ્રેરણાદાયી બન્યું છે.