વલસાડ: વલસાડમાં RNC ફ્રી આઈ હોસ્પિટલની સામે જિલ્લા કક્ષાની નોંધણી ભવન કચેરીનું જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલના હસ્તે ધારાસભ્ય તેમજ કલેકટરની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરવામાં આવ્યું છે.જેમાં નાગરિકો માટે વાતાનુકૂલિત સુવિધા તથાં બે સબ રજિસ્ટ્રાર કચેરીમાં દૈનિક ઓનલાઇન 74 દસ્તાવેજોની નોંધણી માટેના સ્લોટ ઉપલબ્ધ કરાવવામાં આવતાં દસ્તાવેજોનું રજિસ્ટ્રેશન કરાવવા મોટી રાહત મળશે.
આ પ્રસંગે જિ.પં. મનહરભાઇ પટેલ દ્વારા મદદનીશ નોંધણી સર નિરીક્ષક અને સબ રજીસ્ટ્રારને દસ્તાવેજોના રજીસ્ટ્રેશન બાબતે જનજાગૃતિ અને રજિસ્ટર થયેલા દસ્તાવેજોની કાયદેસરતા અંગે માર્ગદર્શન મળી રહે તે માટેઅને યોગ્ય સ્ટેમ્પ ડયુટી વાપર્યા વિનાના તથા સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધણી થયા ન હોય તેવા દસ્તાવેજો પુરાવામાં લઈ ન શકાય તેની જાણ માટે જાગૃતિ કાર્યક્રમો રાખવા અનુરોધ કર્યો હતો.ધારાસભ્ય ભરતભાઇ પટેલે જણાવ્યું કે,રાજ્ય સરકારના મહેસુલ વિભાગ અને નાણા વિભાગ તરફથી વલસાડમાં “નોંધણી ભવન’’ કચેરીનું રીનોવેશન કરવામાં આવ્યું છે.જેનાથી અરજદારો,નાગરિકોને ખુબ સરળતા રહેશે.
જીલ્લામાં રજીસ્ટ્રાર અને કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું કે, ગુજરાત સરકાર દ્વારા નોંધણી ભવનના રિનોવેશન અંતર્ગત અદ્યતન વેઇટિંગ રૂમ સહિત નવી કચેરી શરૂ થતાં દરરોજ 74 દસ્તાવેજોની નોંધણી માટેના ઓનલાઇન ટોકન સ્લોટ ઉપલબ્ધ થશે.ઓછા સમયમાં આ કામગીરી પૂર્ણ કરવા બદલ કલેકટરે ટીમને અભિનંદન પાઠવ્યા હતા. મદદનીશ નોંધણી સર નિરીક્ષક ડી.એમ.પટેલ અને નોંધણી પરિવાર તરફથી મહાનુભાવોનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે સબ રજીસ્ટ્રાર કચેરી પારડીના ઈ/ચા સબ રજીસ્ટ્રાર જે.આર.ચાવડા દ્વારા ઉપસ્થિત મહાનુભાવોની આભારવિધિ કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજનાં મદદનીશ પ્રાધ્યાપક ડો. સુનિલ જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું.સબ રજીસ્ટ્રાર કચેરી વલસાડ ખાતે પહેલા એક સબ રજીસ્ટ્રાર ગ્રેડ 01 કક્ષાના અધિકારી દીઠ પ્રતિદિન 37 ટોકન ઉપલબ્ધ હતા એટલે કે તાલુકામાં રોજ 37 દસ્તાવેજોની નોંધણી થઈ શકતી હતી જેમાં વધારો કરવા વલસાડ તાલુકામાં સબ રજીસ્ટ્રાર ગ્રેડ-2 ની એક નવી જગ્યા ઉભી કરવામાં આવી જેથી વલસાડ તાલુકામાં બે સબ રજીસ્ટ્રાર મળી પ્રત્યેક દિન 37+37= 74 દસ્તાવેજોની નોંધણી માટેના ઓનલાઇન ટોકન સ્લોટ ઉપલબ્ધ કરાવ્યા છે.

