કેવડીયા: આજરોજ કેવડીયા કોલોની ખાતે બાપદાદાના સમયથી રહેતા આદિવાસી લોકોના ઘરો અને લારીગલ્લા પર ઉદ્યોગપતિઓના કહેવાથી સરકારે બુલ્ડોઝર ચલાવ્યું, તેના વિરોધમાં આજે આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા સ્થાનિકોને સાથે રાખીને કેવડિયા ખાતે કેવડીયા સ્વર્ણિમ સંકુલ સીઈઓને મળ્યા, આવેદનપત્ર આપ્યું અને વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી।
ત્યારબાદ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા જે પણ ગેરકાયદેસર ડિમોલેશન થયું છે તેના વિરોધમાં આજે તમામ આદિવાસી સમાજના લોકોને એકઠા થવાનું આહવાહન હતું. આ દરમિયાન ઘણા લોકોને ડીટેઇન કરવામાં આવ્યા છે અને ઘણા લોકોને નજરકેદ પણ કરવામાં આવ્યા છે. આજે ઘણા લોકોના ઘરબાર તોડી નાખવામાં આવ્યા અને તેમને બેઘર બનાવી દેવામાં આવ્યા તો આજે અમે તમામ લોકો રજુઆત કરવા નીકળ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા ફક્ત ચાર આગેવાનોને મિટિંગ માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ અમે સીઈઓને મળ્યા આ દરમિયાન ત્યાં પોલીસ અધિક્ષક, વન સંરક્ષકની હાજરીમાં મીટીંગ થઈ. આ મીટીંગ 30 મિનિટ ચાલી હશે આ દરમિયાન અમે એક એક મુદ્દા વિશે ગંભીરતાપૂર્વક ચર્ચા કરી. ત્યારબાદ તેમણે અમને આશ્વાસન આપ્યું કે જે લોકોના ઘરો તૂટ્યા છે અને જેમની પાસે પૂરતા પુરાવા હશે તે લોકોને છ થી સાત દિવસમાં જે પણ પેકેજો હશે તે પ્રમાણે વળતર આપવામાં આવશે.
એમનું કહેવું હતું કે આ જમીને 1970માં સંપાદન થયેલી જમીન છે અને તેના પુરાવા તેમની પાસે છે. તેના જવાબમાં અમે કહ્યું કે તેમની પાસે જે પણ પુરાવા હોય તો તેઓ અમને સોંપે, ત્યારબાદ તેમણે છ થી સાત દિવસ બાદ પુરાવાઓ અને વળતર આપવાનું આશ્વાસન આપ્યું. અમે રાહ જોઈએ છીએ જો જરૂર પડી તો આવનારા દિવસોમાં ફરીથી મોટા કાર્યક્રમો કરીશું અને અમારી જે લડત છે તે સડકથી લઈને સદન સુધી ચાલતી રહેશે.

