નર્મદા: વડોદરાનો યુવાન પોઇચા પુલ પરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવે તે પહેલાં પોલીસે તેને બચાવી લીધો હતો. લેપટોપની લે-વેચના ધંધામાં ખોટ જતાં યુવાન ઘરેથી પોઇચા નદીના પુલ પર આવ્યો હતો અને પત્નીને વિડિયો કોલ કર્યો હતો. તેની પત્નીએ પતિ સાથે વાત ચાલુ રાખી બીજા ફોન પરથી પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તેને બચાવી લીધો હતો.
Decision news ને મળેલી માહિતી મુજબ વડોદરાનો રહીશ અમિત પંચાલ નામનો યુવાન લેપટોપની લે વેચ કરતો હતો.ધંધામાં ખોટ જતા દેવું વધી જતાં તે 20મીના રોજ સાંજના 5.30 વાગ્યાના અરસામાં પોઇચા પુલ પર આવ્યો હતો. તેણે નદીમાં છલાંગ મારતા પહેલાં પત્ની તથા પરિવારને વિડિયો કોલ કર્યો હતો.પત્નીએ એ એક પણ મિનિટની રાહ જોયા વગર પતિ સાથે વાત ચાલતી હતી ત્યારે બીજા ફોન પરથી 100 નંબર પર ફોન કરી દીધો હતો.
પોઇચા બ્રિજ રાજપીપળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું હોય આ ઘટનાની ગણતરીની મિનિટોમાં ટાઉન પી.આઈ વી.કે.ગઢવી મેસેજ મળ્યો હતો. તેમણે ચેક પોસ્ટ ઉપર હાજર જી.આર.ડી તથા પોલીસ સ્ટાફના માણસો ને તાત્કાલિક જાણ કરી યુવાનને નદીમાં કુદતા રોકી લીધો હતો. ત્યાં સુધીમાં પી.આઈ ગઢવી પોઇચા પુલ પર પહોંચી યુવાનને પીસીઆર વાનમાં વાહનમાં રાજપીપલા સરકારી દવાખાને લાવી સારવાર માટે લઇ આવ્યાં હતાં.

