વલસાડ: વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. મંગળવારે મધ્યરાત્રિએ વીજળીના કડાકા-ભડાકા સાથે શરૂ થયેલા વરસાદે શહેર અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી છે.વૃક્ષો પર પાક તૈયાર થવાની સ્થિતિમાં છે.

Decision news ને મળેલી માહિતી મુજબ વલસાડ જિલ્લામાં 37 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં કેરીનું વાવેતર થયું છે. આ સમયે પડી રહેલા વરસાદથી કેરીના પાકને મોટું નુકસાન થવાની આશંકા છે. કેરીના ફળ ગુલાબી થવા, પવનથી ખરી પડવા અને ફંગલ ઇન્ફેક્શનનો ભય રહેલો છે.હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ કમોસમી વરસાદની આગાહી કરી છે.

આ પરિસ્થિતિથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જો વરસાદી માહોલ લાંબો ચાલશે તો મોટા આર્થિક નુકસાનની આશંકા છે.જિલ્લા કૃષિ વિભાગ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યો છે. હવામાનની સ્થિતિ અનુસાર આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે. આ અગાઉ ઉકળાટભર્યા વાતાવરણથી લોકો પરેશાન હતા. મધ્યરાત્રિએ શરૂ થયેલા વરસાદે ટેરેસ પર સૂતેલા લોકોની ઊંઘમાં ખલેલ પહોંચાડી હતી.