ગરૂડેશ્વર: નર્મદા નદીના કિનારે આવેલા અક્તેશ્વર ગામમાં સ્મશાનઘાટની અછતને કારણે ગંભીર સમસ્યા ઉભી થઈ છે. ગરૂડેશ્વર, તિલકવાડા અને નસવાડી તાલુકાના રહેવાસીઓ અંતિમ સંસ્કાર માટે નર્મદા નદીના કિનારે આવે છે, પરંતુ યોગ્ય સ્મશાનઘાટના અભાવે અર્ધબરેલી લાશો નદીમાં જોવા મળી રહી છે, જેનાથી સ્થાનિકોમાં ભય અને અસંતોષ ફેલાયો છે.

અક્તેશ્વર ગામમાં સ્મશાનઘાટની સુવિધા ન હોવાથી લોકો ખુલ્લી જગ્યાઓમાં અંતિમ ક્રિયા કરે છે. બહારથી આવતા લોકો પાસે પૂરતું લાકડું ન હોવાથી મૃતદેહ સંપૂર્ણ સળગી શકતા નથી અને અવશેષો નર્મદા નદીમાં ફેંકી દેવામાં આવે છે. આના કારણે નદીમાં સ્નાન કરવા આવતા ગામના લોકો અને શ્રદ્ધાળુઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નર્મદા નદીનું પાણી ગામના લોકો પીવા માટે ઉપયોગ કરે છે અને પવિત્ર નર્મદા નદીમાં અર્ધબરેલી લાશો જોવા મળવી એ ન માત્ર શોકજનક છે, પરંતુ નદીની પવિત્રતા અને પર્યાવરણ માટે પણ નુકસાનકારક છે.

સ્થાનિક ગામજનો અને આસપાસના વિસ્તારના લોકોએ સરકાર પાસે તાત્કાલિક યોગ્ય સ્મશાનઘાટ બનાવવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે નિશ્ચિત સ્થળે આધુનિક સુવિધાઓ સાથેનું સ્મશાનઘાટ બનાવવામાં આવે, જેથી અંતિમ સંસ્કાર યોગ્ય રીતે થઈ શકે અને નર્મદા નદીની પવિત્રતા જળવાઈ રહે.

સ્થાનિક સત્તાધિકારીઓ અને સરકારને વિનંતી છે કે આ ગંભીર મુદ્દે તાત્કાલિક પગલાં લઈને અક્તેશ્વર ગામ નદી કાંઠે યોગ્ય સ્મશાનઘાટની સુવિધા ઉભી કરવામાં આવે, જેથી લોકોની સમસ્યા હલ થાય અને નર્મદા નદીનું પાવનત્વ જળવાઈ રહે.