વલસાડ: કચીગામમાં જમીન ઉપર કાચા ઘરનો ગેરકાયદે કબજો દૂર કરવાને લઈને આદિવાસી પરિવાર અને પોલીસ વચ્ચે ઘર્ષણ ઊભું થાય હતું ત્યારે પોલીસ ટીમ અને સરપંચ તથા તા.પં.ના વિસ્તરણ અધિકારીની ટીમ દ્વારા કાર્યવાહી થતાં કબજો કરનાર પતિ પત્નીએ કેરોસીન અને પેટ્રોલ શરીરે છાંટી આપઘાતનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે.

પોલીસ ફરિયાદ પ્રમાણે વલસાડ કચીગામ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા અને વાંકલ ગામે રહેતાં સ્નેહલ જયસિંગ પટેલની કચીગામ ખાતે જમીન આવેલી છે. આ જમીનમાં ગામમાં રહેતાં રાધાબેન કમલભાઇ અને સોમાભાઇ નેમલાભાઈ નાયકાપટેલની પૂત્રીએ ગેરકાયદે કબજો કરી તેમા કાચું પતરાનું ઘર બનાવ્યું હતું. જેનો કબજો ખાલી કરાવવા પંચાયતનિ નોટિસો છતાં કોઈ કાર્યવાહી નહિ કરતાં છેવટે તલાટી કમ મંત્રીએ વિસ્તરણ અધિકારી, પંચાયતના સરપંચ અને પોલીસ બંદોબસ્ત સાથે આ જમીન પર કબજો ખાલી કરવા પહોંચ્યા હતા.

જ્યાં ગેરકાયદે કબજો કરવાના મામલે મહિલા રાધાબેન અને તેના પતિએ કેરોસીન અને પેટ્રોલ છાંટી આપઘાત કરવાનો પ્રયાસ કરતાં માંહોલ ગરમાયો હતો. ફરી આવશો તો આત્મહત્યા કરી લઇશું તેવું જણાવતા સ્નેહલ પટેલે તેમની વિરૂદ્ધ વલસાડ રૂરલ પોલીસ મથકમાં ઉપર મુજબની ફરિયાદ નોંધાવી હતી.