ડેડિયાપાડા: ગતરોજ ડેડિયાપાડા તાલુકાના 20 જેટલા ગામોને સ્વચ્છતા માટે ઈ-રિક્ષા વિતરણ કાર્યક્રમમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા અને દેડીયાપાડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવા સહિત તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા હાજર રહ્યા હતા પણ ઇ-રિક્ષાના વિતરણ કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો, કારણ કે ખુદ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યાં હતા,જેના કારણે ઈ-રિક્ષા વિતરણ કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવ્યો હતો.
નર્મદા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાંચ તાલુકાઓ મળીને 100 ઈ-રિક્ષા અપાઈ છે. જેનો ખુદ ભાજપ સરકારના સાંસદ મનસુખ વસાવાએ વિરોધ કર્યો છે. આ ઉપરાંત આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ વિરોધ નોંધાવ્યો છે. બંને નેતાઓ ઈ-રિક્ષાનું વિતરણ કર્યા વગર જ પરત જતા રહ્યા હતા. ઈ-રિક્ષાના વિતરણ કાર્યક્રમનાં વિરોધમાં સાંસદ મનસુખ વસાવાએ ઈ-રિક્ષા કે જે એક વર્ષ પણ ન ચાલે અને જેનું રૂપિયા 3 લાખ 10 હજારનું બિલ મૂકી એજન્સી અને અધિકારીઓએ મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા હતા.
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઈ-રિક્ષાની જિલ્લા ગ્રામવિકાસ એજન્સી દ્વારા આ યોજના હેઠળ ખરીદી થઈ છે. ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે જોઈએ તો 1થી 1.50 લાખ રૂપિયામાં ઈ- રિક્ષા આવે પણ એજન્સીએ રૂપિયા 3 લાખ 10 હજારનું બિલ મૂકતા સીધા એક લાખથી વધુ કમાઈ રહ્યા છે. જે ખોટું છે. આદિવાસીઓના નામે 100 ઈ-રિક્ષા આપવામાં આવી છે. આ નાની યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે.

