નવસારી: નવસારી હવામાન ખાતાની વરસાદની આગાહી બાદ સોમવારે સાંજે અને મંગળવારના રોજ બપોરે કમોસમી વરસાદે ધબધબાટી બોલાવી હતી. બપોરે 3 વાગ્યાના અરસામાં પહેલા વાવાઝોડું ફૂંકાયું હતું, જેના કારણે બીલીમોરા શહેરમાં અનેક વૃક્ષો ધરાશય થયા હતાં.
Decision News ને મળેલી માહિતી અનુસાર બીલીમોરા નગરપાલિકા ફાયર વિભાગને વૃક્ષો પડ્યાનો કોલ મળ્યા હતા. બીલીમોરા ફાયર વિભાગની ટીમ સતત દોડતી રહી હતી. વૃક્ષોમાં સાંઈબાબા કોમ્પલેક્ષ પાસે, ગોહરબાગ કોલેજીયન પાસે, ક્રિષ્ના બેકરી પાસે, અતુલ બેકરી પાસે, રાજલક્ષ્મી પ્લાઝા પાસે, ગણદેવી પીપલ્સ બેંક પાસે, ઓડનગર, સ્મશાન પાસે તેમજ અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશય થયા હતા. અનેક ઘરોના પતરા ઉડતા નુકસાની થઇ હતી.
નજીવા વરસાદમાં પણ બીલીમોરા રેલવે અંડરપાસમાં પાણી ભરાતા લોકોએ ગંદા પાણીમાંથી ચાલી બહાર નીકળવાની નોબત આવી હતી. દેવસર બીલીમોરા માર્ગ પર વીજ વાયરો તૂટી પડ્યા હતા. ઠેર ઠેર પાણીનો ભરાવો થયો હતો. 1 કલાક પવનના તોફાનના કારણે વ્યાપક નુકસાન થયું છે. બીલીમોરા જ્યુબિલી તળાવ ફરતે લગાવેલા સુશોભિત લાઈટના વીજપોલો ઉખડી જતાં કોન્ટ્રાક્ટરની કામગીરી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.

            
		








