વલસાડ-નવસારી-ડાંગ: રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ વલસાડ સહિત સમગ્ર રાજ્યમાં 8મી મે સુધી ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે. મંગળવારે બપોર બાદ વલસાડ, નવસારી અને ડાંગ લોકસભા વિસ્તારમાં મિની વાવાઝોડું ત્રાટક્યું હતું. આ કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે કેરીના તૈયાર પાક અને આંબાવાડીઓમાં ઊભા આંબાના ઝાડને મોટું નુકસાન થયું છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર ખાસ કરીને વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લાના ચીખલી, ખેરગામ અને વાસંદા તાલુકાઓમાં ખેડૂતોની આફુસ અને કેસર કેરીનો પાક નિષ્ફળ ગયો છે. વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલે આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને કૃષિમંત્રી રાધવજી પટેલને તાત્કાલિક વળતર આપવા રજૂઆત કરી છે.
સાંસદ ધવલ પટેલના જણાવ્યા મુજબ, ગ્રામીણ વિસ્તારોમાં દિનદહાડે કમાઈને ગુજરાન ચલાવતા લોકોની રોજગારી અને જીવન જળવાઈ રહે તે માટે વળતરની જરૂર છે. તોફાની પવનથી દુકાનો અને ઘરોને પણ નુકસાન થયું છે. તેમણે તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવા સરકારને અપીલ કરી છે. સાથે ગત ઓક્ટોબરમાં ડાંગરના તૈયાર પાકને થયેલા નુકસાનનું પણ વળતર ચૂકવવા રાજ્ય સરકારને પત્ર લખ્યો છે.

