સુબીર: હાલમાં જ સુબીર તાલુકાના માળગા ગ્રામ પંચાયતમાં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો (નરેગા) યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ગામના જાગૃત નાગરિકો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, માળગામાં ચાલી રહેલા રોડના કામમાં મજૂરોના ફોટા ઓનલાઈન માસ્ટર રોલમાં મૂકવામાં આવ્યા છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે બે અલગ-અલગ માસ્ટર રોલમાં એજ મજૂરોનો ફોટો જોવા મળે છે.
માહિતી અનુસાર, માસ્ટર રોલ નંબર 3545 અને માસ્ટર રોલ નંબર 3546માં એજ મજૂરરોનો ફોટો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે કેટલા મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હશે. સ્થાનિક લોકોનું માનવું છે કે આ ભ્રષ્ટાચારમાં પંચાયતના કેટલાક સભ્યો અને અધિકારીઓની મિલીભગત હોઈ શકે છે અને આમાં કોની કેટલી ટકાવારી હશે તે પણ એક મોટો પ્રશ્ન છે.
ગામના લોકોએ વધુમાં જણાવ્યું કે નરેગા યોજના હેઠળ થતા કામોની તપાસ કરવા માટે કોઈ જવાબદાર અધિકારી આવતા નથી. જેના કારણે ભ્રષ્ટાચારી તત્વોને મોકળું મેદાન મળી ગયું છે. એટલું જ નહીં, કેટલાક મજૂરોના નામો પણ દબાવી દેવામાં આવ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
સ્થાનિક લોકો હવે આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ ગરીબ મજૂરોના હક્કનું હનન છે અને જે પણ દોષી હોય તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તેઓ જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને આ બાબતે તાત્કાલિક ધ્યાન આપવા અને નિષ્પક્ષ તપાસ શરૂ કરવા વિનંતી કરી રહ્યા છે.
આ ઘટનાએ સુબીર તાલુકામાં નરેગા યોજનાના અમલીકરણ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. શું ખરેખર ગરીબ લોકોને તેમનો હક્ક મળી રહ્યો છે કે પછી ભ્રષ્ટાચારી તત્વો સરકારી યોજનાઓનો દુરુપયોગ કરી રહ્યા છે? આ તપાસ બાદ જ સાચી હકીકત સામે આવી શકશે.

