સુરત: સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ સરકારી શાળા નં. 401 છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. કારણ એ છે કે હજી સુધી શાળાને સત્તાવાર રીતે રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળેલ નથી, છતાં અત્યાર સુધીમાં આશરે 4000થી વધુ વાલીઓએ પ્રવેશ માટે ફોર્મ ભર્યા છે. દરરોજ શાળાની બહાર સેકડો વાલીઓ લાંબી કતારમાં ઉભા રહીને નિવેદન માટે આવે છે, પરંતુ કોઈ સ્પષ્ટતા કે સમાધાન મળતું નથી.

Decision News ને મળેલી માહિતી અનુસાર આ પરિસ્થિતિમાં ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમને આશા હતી કે સરકારી શાળામાં ગુણવત્તાસભર શિક્ષણ મળશે અને ખાનગી શાળાની તુલનાએ ઓછા ખર્ચે બાળકો ભણશે, પરંતુ હવે તેઓ અનિશ્ચિતતામાં ફસાયા છે. સ્પષ્ટ નિવેદન નથી અપાતું શાળા સંચાલન દ્વારા પણ કોઈ સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું નથી. વાલીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવતી હોય છે ત્યારે સ્ટાફ કહે છે કે “અમે પણ રાહ જોઈ રહ્યા છીએ, ઉપરથી સૂચનાઓ મળતી નથી” શાળાની બહાર ભારે ભીડના કારણે ક્યારેક અશાંતિનો માહોલ પણ સર્જાઈ જાય છે. વાલીઓનો આક્ષેપ છે કે પ્રશાસન, શાળા તંત્ર અને સ્થાનિક નેતાઓમાંથી કોઈ પણ વ્યક્તિ આગળ આવીને આ સમસ્યાનું નિરાકરણ લાવતું નથી.

વાલીઓનો કંટાળાજનક સવાલ છે – “જ્યારે હજી મંજૂરી મળી જ નથી, તો પછી ફોર્મ કેમ લેવાયા?” સ્થાનિક વાલીઓની હાલત કફોડી અનિલ પટેલ નામના એક વાલી કહે છે, “મારા બંને બાળકો માટે અમે ફોર્મ ભર્યા હતા. અમને આશા હતી કે સરકારી શાળામાં સાચું શિક્ષણ મળશે. હવે તો ન ફી પાછી મળે, ન અન્ય શાળામાં દાખલો મળી શકે – તો અમારી આવક પર ત્રાટકાતું ભણતર કઈ રીતે આગળ વધારીએ? “હવે વાલીઓ રાજ્ય શિક્ષણ વિભાગ અને સ્થાનિક મહાનગરપાલિકા પાસેથી માંગ કરી રહ્યા છે કે તરત જ આ શાળાની સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવે. અથવા તો તેમને વિકલ્પ રૂપે બીજી શાળાઓમાં પ્રવેશ આપવાની વ્યવસ્થા કરવામાં આવે.