ભરૂચ: જંબુસર તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીમાં મગરના હૂમલાના બનાવો વધી રહયાં છે. મગણાદ ગામે નદીમાંથી પાઇપ કાઢવા ગયેલાં શ્રમજીવી બાદ હવે કુંઢળ ગામમાં બાળક પર હૂમલાની ઘટના સામે આવી છે.

Decision news ને મળેલી માહિતી મુજબ મગરે બાળકનો પગ પકડી લેતાં તેણે બુમાબુમ કરતાં તેના પિતા દોડી આવ્યાં હતાં અને મગરના મોઢા પર મુકકા મારી પુત્રનો જીવ બચાવ્યો હતો. કાળઝાળ ગરમી પડી રહી હોવાથી કુંઢળ ગામના નવીન રાઠોડ અને તેમનો પુત્ર નિલેશ નદીમાં ન્હાવા માટે ગયાં હતાં.

પિતા અને પુત્ર નદીમાં સ્નાન કરી રહયાં હતાં તે સમયે મગરે આવીને નિલેશનો પગ પકડી લીધો હતો. તેણે બૂમો પાડતાં પિતા દોડી આવ્યાં હતાં અને મગરના મોઢા પર મુકકાઓ મારવા લાગ્યાં હતાં જેથી મગર પગ છોડીને ફરીથી પાણીમાં જતો રહયો હતો. ઇજાગ્રસ્તને જંબુસર અને ત્યાંથી વડોદરા ખસેડવામાં આવ્યો છે.