રાજપીપળા: સાગબારાના ઉમરાણ ઉપલા ફળીયાની આંગણવાડી કમ્પાઉન્ડમાં વર્ષો જૂનું વૃક્ષ અચાનક ધરાશાયી થઇ કંપાઉન્ડમાં રહેલાં 8 બાળકો પર પડયું હતું. આંગણવાડી કાર્યકર બહેનની સમયસુચકતાથી 7 વિદ્યાર્થીઓનો બચાવ થયો હતો જયારે બેને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર ઉમરાણ ગામના ઉપલા ફળીયામાં આવેલ આંગણવાડી કેન્દ્રમાં 8 જેટલા બાળકોને કાર્યકર રીટાબેન વસાવા કમ્પાઉન્ડમાં લાવી વિવિધ રમતો રમાડતા હતા અને તે દરમ્યાન કમ્પાઉન્ડ બહાર એક વર્ષો જૂનું ગુલમહોરનું વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું. રીટાબેને સમય સુચકતા વાપરીને વૃક્ષને પકડી લેતાં તેઓ વૃક્ષ નીચે દબાઇ ગયા હતાં પણ રમતો રમી રહેલાં બાળકોને બચાવી લીધાં હતાં.
આ ઘટનામાં રીટાબેન તથા એક છાત્ર મળી કુલ 2 જણને ઇજા પહોંચી હતી. બૂમરાણ થતા આજુબાજુના સ્થાનિકો દોડી આવ્યા અને રીટાબેનને બહાર કાઢ્યા અને રીટાબેન સાથે 5 વર્ષના વીર નિતેશ વળવીને પણ માથામાં ઝાડની ડાળખી વાગતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંને ને ડેડીયાપાડા સારવાર માટે લઇ જવાયા જ્યાંથી રાજપીપલા સિવિલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યાં હતાં.

