સુરત: 22 એપ્રિલ મંગળવારે બપોરે લગભગ 3 વાગ્યે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 26 લોકોનાં મોત થયા છે, જેમાં સુરતના શૈલેષ હિંમતભાઈ કળથિયાનું પણ મોત થયું છે. મૂળ અમરેલી જિલ્લાના વતની અને સુરત બાદ છેલ્લા એક વર્ષથી મુંબઈમાં રહેતા શૈલેષ કળથિયા તેના પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયા હતા જેની તસવીરો હાલ સામે આવી છે.પરિવાર ઘોડા પર બેસીને કુદરતના સૌદર્યને નિહાળતા હતા ત્યારે જ અચાનક આંતકવાદીઓએ ધડાધડ ગોળીબાર કરતા શૈલેશભાઈને ગોળી વાગતા મૃત્યુ થયું હતું.

જન્મદિનની ઉજવણી કરવા માટે જ શૈલેષભાઈ કાશ્મીર ગયા હોય એવી શક્યતા છે. જ્યાં જન્મ દિવસના એક દિવસ પહેલાં જ તેઓ મૃત્યુ પામ્યા.પરિવાર સાથે ફરવા ગયેલા શૈલેષનું આતંકી હુમલામાં મોત નીપજતા મૃતદેહને સુરત લાવવામાં આવશે અને અહીં જ તેની અંતિમક્રિયા કરવામાં આવશે.44 વર્ષીય શૈલેષભાઇ હિંમતભાઇ કળથિયા તેમની પત્ની શીતલ કળથિયા, પુત્રી નીતિ, અને પુત્ર નક્ષત્ર સાથે મુંબઈથી કાશ્મીર ફરવા માટે ગયા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ શ્રીનગરથી પહેલગામ ફરવા ગયા હતા અને વિવિધ જગ્યાએ ફરીને ગતરોજ 22 એપ્રિલે તેઓ ત્યાંના મિની સ્વિટ્ઝરલેન્ડ ગણાતા બૈસરનવેલીમાં પહેલગામથી ઘોડા પર બેસીને કુદરતી સૌંદર્યને નિહાળતા હતા. ત્યારે અચાનક આંતકવાદીઓ દ્વારા ધડાધડ ગોળીબાર કરાતા કળથિયા પરિવારના ચાર સભ્યોમાંથી  શૈલેષભાઈને ગોળી વાગતા મૃત્યુ થયું હતું. પરિવારના અન્ય સભ્યો સહીસલામત છે.શૈલેષ કળથિયાના મૃત્યુની જાણ થતાં સુરતમાં રહેતાં પરિવાજનો પર આભ તૂટી પડયું હતું.

મૃતદેહને સુરત લાવવામાં આવશે અને અંતિમ સંસ્કાર કરવામાં આવશે.શૈલેષ હિંમતભાઈ કળથિયા મૂળ અમરેલીના દામનગરના ધૂફણિયા ગામના વતની છે. સુરતના ડિઝાસ્ટર વિભાગના નાયબ મામલતદાર સાજિદભાઈ મેરૂજયે જણાવ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં જે આંતકવાદી હુમલો થયો તેમાં 4 વર્ષ પહેલાં સુરતમાં રહેતા અને હાલ મુંબઇ નિવાસી શૈલેષભાઈ કળથિયાનું મોત થયું છે. તેમની સાથે તેમનાં પુત્ર-પુત્રી અને પત્ની પોલીસ અધિક્ષકની કચેરીમાં છે અને તેમના એક કઝિન છે. તેઓ મુંબઇથી કાશ્મીર માટે રવાના થયા છે. આ ઉપરાંત સુરતના અન્ય કોઈ વ્યક્તિની ઇજાગ્રસ્ત થવાની ઓફિસિયલ વિગત સ્ટેટ ઇમર્જન્સી સેન્ટર ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી નથી.