નવસારી: નવસારીમાં શહેરના મુખ્ય માર્ગો પર ડિવાઇડર બનાવવાની કામગીરી આરંભી દેવામાં આવી છે. જોકે, આ કામગીરીમાં એજન્સી અલગ પ્રકારની ટેકનિક વાપરી રહી છે. જેના કારણે શહેરીજનો વિચાર કરતા થઇ ચુક્યા છે અને ડિવાઇડરની સક્ષમતા પર સવાલ ઉભા કરી રહ્યાં છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર નવસારીમાં જૂનાથાણાથી ન્યાયાલયના દરવાજા સુધી એટલે કે ચાણક્ય એપાર્ટમેન્ટ સુધી ડિવાઇડર બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે, આ કામગીરી શરૂ થતાની સાથે જ પ્રશ્નાર્થ ઉભા થયા છે. સામાન્ય રીતે માર્ગમાં ડિવાઇડર બનાવતી વખતે માર્ગને ખોદીને બનાવવામાં આવે છે પણ હાલમાં માર્ગ ખોદ્યા વગર જ તેના પર બીબા ગોઠવી ડિવાઇડર બનાવવાની કામગીરી કરી દેવામાં આવી છે. જેને લઇને નાગરિકો સોશિયલ મિડીયામાં ડિવાઇડરની કામગીરી અને તેની સક્ષમતા વિશે પ્રશ્નો ઉઠાવી રહ્યાં છે.

માર્ગ નાનો હોવા છતાં તેના પર ડિવાઇડરની શું જરૂર હતી? કઇ ટેક્નોલોજીથી ડિવાઇડર બનાવવામાં આવી રહ્યાં છે? ચોમાસામાં ડિવાઇડર ટકશે કે કેમ? જેવા પ્રશ્નો ચર્ચાઇ રહ્યાં છે. જોકે, સોશિયલ મિડીયામાં ચર્ચાનો વિષય બનતા કામગીરી અટકાવી દેવામાં આવી હોય તેવી પણ આશંકા જણાઇ રહી છે. શહેરીજનો એકતરફ શહેરની કાયાપલટ માટે પાલિકાને સાથ આપવા તૈયાર છે ત્યારે બીજીતરફ મનપા દ્વારા કામગીરીમાં વેઠ ઉતારાતા તેઓને અરીસો બતાવવા પણ અગ્રેસર છે એવુ કહી શકાય.