સોનગઢ: મૂળ સુરતના લંબે હનુમાન રોડ પર રહેતાં બે યુવકો બાઈક લઈ કામ અર્થે સોનગઢ તરફ આવ્યાં બાદ મોડી રાત્રે સુરત જતી વખતે હાઇવે પર ભડભુંજા ગામ પાસે ડિવાઇડર સાથે બાઈક અથડાતાં બાઇક સવાર બંનેના મોત નીપજ્યાં હતાં.
Decision News ને મળેલી માહિતી અનુસાર આ અંગે મળેલી વિગત મુજબ સુરતના લંબે હનુમાન મંદિર વરાછા રોડ સુરત ખાતે રહેતાં વિજય મધુકરભાઈ પગારે (28) અને તેમને ત્યાં રહેતો માસી નો દીકરો હર્ષલ પાંડુરંગભાઈ પગારે (22) કારખાનામાં હીરા ઘસવાની મજૂરી કરી ગુજરાન ચલાવતાં હતાં. રવિવારે બપોરે ચાર કલાકના અરસામાં વિજય પગારે અને હર્ષલ પગારે એક બાઈક લઈ ને નીકળ્યાં હતા અને તેમનેપરિવારજનો એ પૂછ્યું કે ક્યાં જાઓ છો તો તેમણે કહ્યું કે સોનગઢ તરફ અમારા કામ અર્થે જઈએ છે.
એ પછી રાત્રે આઠ કલાકે વિજયના ભાઈ અજય પગારે એ ભાઈ ને ફોન કરી પૂછ્યું કે તમે ક્યાં છો પણ તેમણે કહ્યું કે અમે દસ અગિયાર વાગ્યા સુધી આવી જશું. આ બંને ભાઈઓ બાઈક નંબર GJ-05-NW-2550 પર બેસી નવાપુરથી સોનગઢ તરફ આવી રહ્યાં હતાં ત્યારે હાઇવે પર ભડભુંજા ગામ પાસે પૂરઝડપે દોડતી બાઈકના સ્ટિયરિંગ પરથી ચાલક વિજય પગારેએ કાબૂ ગુમાવતાં બાઈક ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ બનાવમાં બાઈક પાછળ બેઠેલા હર્ષલ પાંડુરંગભાઈ પગારે (22) ને માથામાં અને શરીરે ગંભીર થવાના કારણે સ્થળ પર જ મોત થયું હતું જ્યારે ચાલક વિજય પગારે ને પણ માથામાં અને શરીરે ઇજા થઇ હતી તેમને સારવાર અર્થે 108 વાનમાં સોનગઢ તરફ લઈ જવામાં આવી રહ્યાં હતાં ત્યાં રસ્તે જ તેમનું પણ મોત નીપજ્યું હતું.

