નવસારી: નવસારીના એરૂ ગાર્ડનમાં રહેતા વૃદ્ધ દંપતી સાયબર ઠગોનો શિકાર બન્યા છે. આ કેસમાં ઠગોએ પોલીસ અધિકારી બનીને દંપતીને મની લોન્ડરીંગના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. ગત 20 મે 2024ના રોજ પ્રવીણભાઈ પટેલના મોબાઈલ પર એક અજાણ્યા નંબરથી વોટ્સએપ વીડિયો કોલ આવ્યો હતો.

Decision News ને મળેલી માહિતી અનુસાર કોલ કરનાર વ્યક્તિએ પોલીસ યુનિફોર્મમાં IPS અધિકારી તરીકે પોતાની ઓળખ આપી હતી. તેણે પ્રવીણભાઈને જણાવ્યું કે તેમના નામે ખાનગી બેંકમાં ખાતું છે, જેમાં મની લોન્ડરીંગના વ્યવહારો થાય છે. ઠગોએ દંપતીને જણાવ્યું કે દિલ્હીમાં એક સંદીપ કુમાર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેના ખાતામાં પ્રવીણભાઈનું નામ જોડાયેલું છે. પ્રવીણભાઈએ આ વાતનો ઇનકાર કર્યો, છતાં ઠગોએ તેમના પર દબાણ ચાલુ રાખ્યું. તેમને બે અલગ-અલગ ધરપકડ વૉરંટ પણ મોકલ્યા, જેમાં પોલીસનો લોગો હતો.

ઠગોએ દંપતીને ફોન કાપવાની મનાઈ કરી અને કોઈને જાણ કરવા પર સ્થાનિક પોલીસ દ્વારા ધરપકડની ધમકી આપી. તેમણે પ્રવીણભાઈને કહ્યું કે તેમના ખાતાના પૈસા અવૈધ છે અને તેમને આપેલા ખાતામાં ટ્રાન્સફર કરવા પડશે. સાત દિવસમાં પૈસા પરત મળવાનું આશ્વાસન આપ્યું. 20 થી 26 મે દરમિયાન, ઠગોએ દંપતીને ડિજિટલ એરેસ્ટ હેઠળ રાખી કુલ રૂ. 15.67 લાખ ટ્રાન્સફર કરાવ્યા. આ મામલે દંપતીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા હેકરો સામે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.