ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ધારોલી ગામે એક યુવક પર ખેતરમાંથી ડુંગરી ચોરવાનો આરોપ મુકીને માર મારી મારી નાંખવાની ધમકી આપનાર ગામના જ બે ઇસમો સામે યુવકે ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી. આ અંગે ઝઘડિયા જીઆઇડીસી પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના ધારોલી ગામે રહેતો ભુપેન્દ્રભાઇ લક્ષ્મણભાઇ વસાવા નામનો યુવક ગામના કેટલાક પશુપાલકોની બકરીઓ ચરાવી ગુજરાન ચલાવે છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર ગત તા.14 મીના રોજ સાંજના તે બકરીઓ ચરાવીને ઘરે પાછો આવ્યા બાદ રાતના આઠ વાગ્યાના અરસામાં બહાર ઓટલા પર ખાટલો ઢાળીને બેઠો હતો,તે સમયે ગામમાં રહેતા શૈલેશભાઇ જશુભાઇ પટેલ તેમજ ધ્રુવ મિનેશભાઇ પટેલ હાથમાં લાકડાના દંડા લઇને આવ્યા હતા અને ભુપેન્દ્રને કહેવા લાગેલ કે તું અમારા ખેતરમાંથી ડુંગરી ચોરીને લઇ ગયેલ છે. આ સાંભળીને ભુપેન્દ્રએ તેમને જણાવેલ કે હું તમારા ખેતરમાંથી ડુંગરી ચોરીને નથી લાવ્યો,તમે મને બતાવો. ત્યારબાદ ભુપેન્દ્ર તેમની સાથે ખેતરે ગયો હતો.
ત્યાં શૈલેશ પટેલે કહ્યું હતું કે તું મારા ખેતરમાંથી ડુંગરી ઉખેડીને ચોરી જાય છે,તેમ કહીને ગાળો બોલવા લાગતા ભુપેન્દ્રએ તેમને ગાળો બોલવાની ના પાડતા તે ઉશ્કેરાઇ ગયેલ અને ત્યારબાદ શૈલેશ પટેલ અને ધ્રુવ પટેલે લાકડાના દંડાથી ભુપેન્દ્રને પગમાં તેમજ બરડા પર સપાટા માર્યા હતા,જેથી ભુપેન્દ્ર નીચે પડી ગયેલ. આ બન્ને ઇસમોએ ભુપેન્દ્રને મારી નાંખવાની ધમકી આપી હતી.આ ઘટનામાં ભુપેન્દ્રને ઇજા થયેલ હોઇ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો.પોતે આદિવાસી સમાજનો હોવાનું જાણતા હોવા છતાં સદર ઇસમોએ પોતાને માર માર્યો હોવા બાબતે ઇજાગ્રસ્ત ભુપેન્દ્રભાઇ વસાવાએ ઉપરોક્ત બન્ને ઇસમો શૈલેશભાઇ જશુભાઇ પટેલ અને ધ્રુવભાઇ મિનેશભાઇ પટેલ બન્ને રહે.ગામ ધારોલી તા.ઝઘડિયાના વિરુધ્ધ ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

