નવસારી: નવસારીના સૌથી ગીચ કોમર્શિયલ વિસ્તાર મોટાબજારમાં બન્ને સાંકળા રસ્તા પહોળા કરવા મનપા કમિશનરે લાઈનદોરી મુકવાની તજવીજ હાથ ધરી છે. આ માર્ગ પહોળો કરવા આડે 150 જેટલી દુકાનોને અસર થશે. નવસારી શહેરનો સૌથી જૂનો કોમર્શિયલ વિસ્તાર મોટાબજાર છે. જોકે અહીંના બન્ને રસ્તાઓ અતિ સાંકળા છે અને ગીચ પણ છે. વાહનોની અવરજવર કરવી પીકઅવરમાં મુશ્કેલ પણ છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર હાલમાં અહીંના રોડ લાગુ દુકાનદારોએ કરેલ કાચું દબાણ દૂર કરવા ટાણે વિવાદ પણ થયો. આ વાદવિવાદ વચ્ચે શુક્રવારે નવસારી મનપા કમિશનરે એક જાહેર નોટિસ મોટાબજાર વિસ્તારના માર્ગને લઈ જારી કરી હતી. જેમાં પોલીસ ચોકીથી કંસારવાડ નાકે તરફનો માર્ગ હયાત સરેરાશ 7.5 મીટરથી 12 મીટરનો અને લક્ષ્મણ હોલથી ચાલુ થઈ ટાટા સ્કૂલ તરફનો માર્ગ હયાત સરેરાશ 10 મીટરથી 15 મીટરનો પહોળો કરવા લાઇનદોરી મૂકવાનો ઇરાદો જાહેર કર્યો છે અને તે માટે વાંધા પણ મંગાવ્યા છે. મનપા જો આ માર્ગ પહોળો કરે તો બન્ને માર્ગ આડેની લગભગ સવાસોથી દોઢસો દુકાનોને અસર થાય એમ છે. મળતી માહિતી મુજબ અનેક દુકાનોના 10 ટકા થી લઈ 25, 30 ટકા ભાગ લાઇનદોરીમાં આવવાનો અંદાજ છે.

હાલમાં જ મનપાએ મોટાબજાર વિસ્તારમાં માર્ગ આડે નડતરરૂપ બોર્ડ, શેડના કાચા દબાણ દૂર કરવાની કામગીરી કરી ત્યારે વાદવિવાદ થયો હતો ત્યારબાદ મનપાએ બજારના માર્ગોની માપણી કરી હતી. માપણી પૂરી થયા બાદ મનપાએ માર્ગ પહોળો કરવા ‘રસ્તા રેખા’ (લાઇનદોરી) મુકવાનું હથિયાર જ અપનાવ્યું છે.નવસારીમાં 1 જાન્યુઆરી 2025માં મહાપાલિકા બન્યા બાદ હયાત સાંકળા માર્ગને પહોળો કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. દબાણ દૂર કરવા સાથે માર્ગને પહોળો કરવા ‘સૂચિત રસ્તા રેખા’ મુકવાની નોટિસ પણ જારી કરાઇ રહી છે. અગાઉ સ્ટેશન પૂર્વ વિસ્તારનો માર્ગ, ટાટા સ્કૂલ વિસ્તાર બાદ હવે મોટા બજારના બે માર્ગ માટે નોટિસ જારી કરાઇ છે. આ માટે મ્યુનિસિપલ કમિશ્નર મહાપાલિકાની ધી જીપીએમસી એક્ટ 1949ની કલમ 210 (1)(બી) હેઠળ મળતી સત્તાનો ઉપયોગ કરી રહ્યાં છે. આગામી દિવસોમાં મનપા વધુ માર્ગ માટે જાહેર નોટિસ જારી કરી શકે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here