સોનગઢ: સોનગઢના ચકવાણ રોડ પર રાણીઆંબા ગામ નજીક આવેલા રેલવે અન્ડરબ્રિજની આસપાસનો ડામર રોડ તૂટી ગયો છે અને ઊંડા ખાડા પડી જતાં વાહનચાલકો માટે અકસ્માતનો ભય ઊભો થયો છે. આ વિસ્તારમાંથી પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર રાણીઆંબા રેલવે અન્ડરબ્રિજની આસપાસનો ડામર રોડ ધોવાઈ ગયો છે અને કેટલીક જગ્યાએ ઊંડા ખાડા પડી ગયો છે. આનું મુખ્ય કારણ ચોમાસામાં વરસાદી પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થા છે. ગરનાળામાંથી પાણી નીકળવાની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી બ્રિજની આસપાસ પાણી ભરાઈ રહે છે, જેના કારણે રોડને નુકસાન થયું છે.રેલવે વિભાગે અન્ડરબ્રિજને પહોળો કર્યો હતો,પરંતુ તેની આસપાસના રોડનું નિર્માણ અને જાળવણીનું કામ અધૂરું રહ્યું છે. બ્રિજ બન્યા બાદ જાળવણી માટે કોઈ નક્કર પગલાં લેવાયા નથી. ઊંડા ખાડા અને તૂટેલા રોડને કારણે વાહનચાલકો, ખાસ કરીને રાત્રે અથવા ચોમાસામાં, અકસ્માતનો શિકાર બની શકે છે.

સોનગઢ તાલુકાના દક્ષિણ વિભાગના 40 થી વધુ ગામોના લોકો આ ચકવાણ રોડનો ઉપયોગ સોનગઢ તાલુકા મથકે આવવા-જવા માટે કરે છે અને રોડની ખરાબ સ્થિતિ તેમના માટે મોટી સમસ્યા બની છે. રેલવે વિભાગ અને માર્ગ અને મકાન વિભાગે સંયુક્ત રીતે રાણીઆંબા રેલવે અન્ડરબ્રિજની આસપાસના રોડનું સમારકામ કરવું જોઈએ અને ઊંડા ખાડાને તાત્કાલિક પૂરવા અને રોડને ડામર દ્વારા મજબૂત કરવો જોઈએ એવી માગ ઉભી થઇ છે.