પારડી: પારડીના મોતીવાડા ગામની સીમમાં આવેલી કંપનીમાં આજે સવારે અચાનક આગ સળગી ઉઠતા ભારે દોડધામ મચી ગઇ હતી. આગ લાગતા જ કર્મચારીઓ બહાર નિકળી જતા બચાવ થયો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર પારડીના મોતીવાડા ગામે સેનેટરી પેડ બનાવતી આકાર પ્રા.લિ. નામક કંપની આવેલી છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર આજે સવારે કંપનીમાં અચાનક આગ સળગી ઉઠી હતી. આગ લાગતા જ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ બહાર નિકળી જતા બચાવ થયો હતો. જો કે આગ વધુ આક્રમક બનતા આખી કંપની લપેટમાં આવી જતા ભારે અફરાતફરી મચી ગઇ હતી.
આગના ધુમાડા આકાશમાં દૂર દૂર સુધી ફેલાઇ જતા લોકોમાં ગભરાટ મચી ગયો હતો.ઘટનાની જાણ થતા પારડી, વાપી નોટિફાઇડ સહિતના વિસ્તારના પાંચથી વધુ બંબા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બાદમાં લાશ્કરોએ આગ પર કાબુ મેળવવા કવાયત આદરી હતી. કંપનીમાં આગ કયા કારણોસર લાગી તે હાલ બહાર આવ્યું નથી.

