નવસારી: નવસારીના લાયબ્રેરીથી ડેપો સુધીના રોડને લાગુ દબાણ દૂર કરવા મહાપાલિકાએ ફરજ પાડી હતી. નવસારીમાં હાલ અનેક રોડને લાગુ દબાણો મનપાએ દૂર કરાવ્યા હતા, જેમાં સ્ટેશન રોડ, ગણદેવી રોડ સહિતના અનેક વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં કેટલીક વસ્તુઓ કબજે પણ લીધી હતી.
Decision News ને મળેલી માહિતી અનુસાર મંગળવારે મનપા તંત્રે શહેરના સયાજી લાયબ્રેરીથી પ્રજાપતિ આશ્રમ થઈ એસટી ડેપો સુધીની કામગીરી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં બહાર મૂકેલ બોર્ડ, નાના શેડ તથા અન્ય નડતરરૂપ વસ્તુઓ દૂર કરવા મનપાના કર્મચારીઓએ સૂચના આપતા અનેક દબાણદારોએ દબાણ દૂર કર્યા હતા.
અહીં ઉલ્લેખનીય છે કે, શહેરમાં નડતરરૂપ દબાણ દૂર કરવા માટે મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ સૂચના આપી હોવાનુ જાણવા મળ્યું છે. તાજેતરમાં મોટાબજાર વિસ્તારમાં દબાણ દૂર કરવાના મુદ્દે થોડો વાદ વિવાદ થયો હતો અને મનપા દ્વારા માપણી પણ કરવામાં આવી છે.

