વ્યારા: સરકારી પોલિટેકનિક, વ્યારાના ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ઇન્સ્ટ્રુનોવા-25 નામનો પ્રોજેક્ટ ફેર યોજાયો હતો. આ કાર્યક્રમ વિભાગના ઈન્ચાર્જ વડા શ્રી એન. પી. વસાવા ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક આયોજિત થયો.
Decision News ને મળેલી માહિતી મુજબ આ વિશિષ્ટ કાર્યક્રમમાં મુખ્ય અતિથિઓ તરીકે જી. પી. વ્યારાના પ્રિન્સીપલ શ્રી એ. આર. ગામીત તથા આઈ.ટી.આઈ. ઈન્દુના પ્રિન્સીપલ શ્રી એમ. એસ. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા તેમજ તેમને ટેકનિકલ ક્ષેત્રે નવી શોધ માટે ઉત્સાહિત કરવામાં આવ્યા. આ પ્રોજેક્ટ ફેરમાં ઈન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલના વિષયોને આધારિત વિવિધ પ્રાયોગિક પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. કુલ 50 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દરેક પ્રોજેક્ટમાં નવા વિચારો અને ટેકનિકલ કુશળતાનું દર્પણ જોવા મળ્યું હતું.
આ પ્રસંગે 350 થી વધુ મુલાકાતીઓએ મેળામાં હાજરી આપી હતી, જેમાં પ્રાથમિક શિક્ષકો, આઈ.ટી.આઈ.ના ઇન્સ્ટ્રક્ટર્સ, EMRS ઈન્દુના સ્ટાફ તથા વિદ્યાર્થીઓ અને જી. પી. વ્યારાના અન્ય શાખાના વિદ્યાર્થીઓનો પણ ઉમંગભેર સમાવેશ થયો હતો. પ્રદર્શનના અંતે શ્રેષ્ઠ પ્રોજેક્ટ રજૂ કરનાર વિજેતાઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં ટેક્નોલોજી પ્રત્યેનો ઉત્સાહ અને સામૂહિક કાર્યશક્તિને પ્રોત્સાહન આપતો એક સુંદર ઉપક્રમ બન્યો.

