ઉમરગામ: નારગોલ ગ્રામ પંચાયત નારગોલ હદમાં રાતોરાત પંચાયતની પૂર્વ મંજૂરી વિના ULTRATECH સિમેન્ટની જાહેરાત કરતા મોટા હોર્ડિંગો ઊભા કરાતા પંચાયતે મિલકત ધારક તેમજ સ્થાનિક અલ્ટ્રાટેક સિમેન્ટના ડીલર મનોજ ગુપ્તાને નોટીસ ફટકારી કાર્યવાહી કરી છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર ઉમરગામ તાલુકાના નારગોલ ગામે ગ્રામ પંચાયતની કોઈપણ પ્રકારની મંજૂરી વિના નારગોલ ગામના રહીશ તેમજ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના સ્થાનિક ડીલર મનોજ શ્યામ ગુપ્તાએ પોતાની માલિકીની જમીનમાં, જાહેર માર્ગના માર્જિનમાં, ભક્ત શ્રી જલારામ ન્યુ હાઇસ્કુલ સામે, નારગોલ ત્રણ રસ્તા કોસ્ટલ હાઇવે પર સિમેન્ટની જાહેરાતના મોટા બેનરો ઊભા કરતા નારગોલ ગ્રામ પંચાયતે તેમને નોટિસ ફટકારી હોર્ડિંગો ઉભા કરતા પહેલા પંચાયત પાસેથી મંજૂરી લીધી નથી કે પંચાયતમાં વેરો ભરેલ નથી.
આ હોર્ડિંગ વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ સમયે હટાવવાની નોબત આવે અથવા તો હોર્ડિંગથી કોઈ જાન માલને નુકસાની થાય એવા સંજોગોમાં પંચાયતે કોનો સંપર્ક કરવો? નુકસાનીની સ્થિતિમાં કોની સામે પગલાં ભરવા ?સામાન્ય રીતે ઉભા કરવામાં આવતા જાહેરાતના હોર્ડિંગ દીઠ પંચાયત વાર્ષિક વેરો વસૂલી કરી આવક પ્રાપ્ત કરે છે. પંચાયતમાં વાર્ષિક વેરો ભરવાથી બચવા પંચાયત પાસે પૂર્વ મંજૂરી લીધા વિના હોર્ડિંગ ઊભા કરી પંચાયતને આર્થિક નુકસાન કરેલ છે. જેથી તાત્કાલિક દંડની રકમ સાથે વાર્ષિક વેરો ભરપાઈ કરવા નોટિસ આપી સૂચનનું પાલન ન કરે તો તમામ હોર્ડિંગો JCBથી ઉખેડી નાખવામાં આવશે તેવી ચેતવણી આપી છે.

