વાપી: વાપી જીએસટી ભવનથી ઝંડાચોક તરફ આવતા માર્ગ પર વારંવાર થતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે ટાઉન પોલીસે આરએન્ડબીના અધિકારીઓ સાથે બેઠક કરી માર્ગ પહોળો કરવા જણાવ્યું હતું. જેથી આ માર્ગને પહોળો કરવાની કામગીરી કરતા હાલ વાહનચાલકો પણ રાહત અનુભવી રહ્યા છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર વાપી રેલવે ઓવરબ્રિજ તોડી પાડયા બાદથી લોકો જૂના રેલવે ફાટક, નવા અંડરબ્રિજ અને જૂના ગરનાળા માંથી ઇસ્ટ અને વેસ્ટમાં જઇ રહ્યા છે. ત્યારે સૌથી વધુ ટ્રાફિક જામની સ્થિતિ ઝંડાચોકથી જીએસટી ભવન તરફ જતા માર્ગ પર થાય છે.
આ સમસ્યાને ધ્યાને લઇ વાપી ટાઉન પીઆઇ કે. જે. રાઠોડે સ્થળ મુલાકાત લેતા જીએસટી ભવનથી ઝંડાચોક વચ્ચે માર્ગ પર પડેલા કાટમાળને દૂર કરવા આરએન્ડબીના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. માર્ગને જરાક જરાક બ્લોક કર્યા બાદ કાટમાળને સાઇડમાં ખસેડી આ માર્ગને પહોળો કરાયો હતો. જેને લઇ હાલ વાહનચાલકોને ટ્રાફિક સમસ્યામાંથી ભારે રાહત મળી રહી છે.

