વાંસદા: વાંસદા સરકારી આયુર્વેદ દવાખાનામાં જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને ઔષધિય વાટિકાનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય, નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા પંચાયત નવસારીના માર્ગદર્શન હેઠળ આયુષની સેવાઓ છેવાડાના લોકો સુધી પહોંચી શકે અને લોકોને આયુર્વેદ ઔષધિઓની ઓળખ થાય અને તેનું યોગ્ય જતન થાય તે હેતુથી ગતરોજ વાંસદા તાલુકામાં વાંસદા સરકારી આયુર્વેદ દવાખાનામાં ઔષધિય વાટિકાનું લોકાર્પણ જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી અનુસાર લોકાપર્ણ કાર્યક્રમમાં જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.કાજલ મઢીકરે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈએ જ્યારે વનના પ્રાણીઓ પણ વનનો બચાવ થાય તે માટે આગળ આવતા હોય તો મનુષ્યએ ઔષધિય વનસ્પતિનુ જતન કેમ ન કરવુ તેમ જણાવ્યું અને વધુમા વધુ લોકો આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિને અપનાવે તે માટે અપીલ કરી હતી.
તાલુકા પંચાયત પ્રમુખ દિપ્તીબેન પટેલે પણ વધુમાં વધુ લોકો આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિને અપનાવે અને આસપાસની ઔષધિય વનસ્પતિના ગુણોને ઓળખી તેનો ઉપયોગ કરતા થાય તે માટે પ્રેરણા આપી હતી. વાંસદા સરકારી આયુર્વેદ દવાખાનાના મે.ઓ. ડો .નયના પટેલે આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન સુમિત્રાબેન ગરાસીયા, ન્યાય સમિતિના ચેરમેન બાપજુભાઇ ગાયકવાડ, વાંસદાના સરપંચ ગુલાબભાઈ પટેલ, ડો. અમીષા પટેલ, ડો. રોહિત કંટારિયા, આંગણવાડી વર્કર બહેનો સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા. આ પ્રસંગને સફળ બનાવવા વાંસદા આયુષ ટીમે જહેમત ઉઠાવી હતી.

