બીલીમોરા: બીલીમોરા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ ડ્રેનેજ શાખામાં ખાલી પડેલ જગ્યા ભરવા બીલીમોરા નગરપાલિકાને આવેદનપત્ર પાઠવી તેમની પડતી અગવડતા દૂર કરવા વિનંતી કરી છે. બીલીમોરા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ બીલીમોરાના પાલિકા પ્રમુખ મનીષ પટેલ, કારોબારી ચેરમેન પ્રજ્ઞેશ પટેલ અને ચીફ ઓફિસર મિત્તલ ભાલાળાને આવેદનપત્ર પાઠવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી અનુસાર જેમાં તેમણે જણાવ્યું છે કે, બીલીમોરા નગરપાલિકામાં છેલ્લા 5થી 15 વર્ષથી રોજમદાર તરીકે કામ કરતા તેમજ ડ્રેનેજ શાખામાં કામ કરતાં રોજમદાર કર્મચારી અને ડ્રાઈવરોને કાયમી કરવામાં આવી નથી અને છેલ્લા પાંચ વર્ષથી તેમને બોનસ પણ મળતું નથી. ડ્રેનેજ શાખામાં કામ કરતા કર્મચારીઓને સેફટીની કોઈ વ્યવસ્થા આપવામાં આવી ન હોવાનું પણ આવેદનપત્રમાં જણાવ્યું છે.
આવેદનપત્ર પાઠવી કર્મચારીઓએ ડ્રેનેજ શાખામાં રોજમદાર અને ડ્રાઈવરની જગ્યા કાયમી તરીકે ભરાય તેવી વિનંતી કરી છે. વધુમાં ડ્રેનેજ લાઈનમાં 30થી40 ફુટની અંદર ગટર ખોલવામાં આવે છે. જેમાં ગેસ હોય છે જેથી રોજીંદા કર્મચારીઓને ગેસ લાગી જઈ અકસ્માત સર્જાવાની નોબત પણ આવી શકે છે. જેથી રોજીંદા કર્મચારીઓને ગેસ ન લાગે તેવી વ્યવસ્થા કરી આપવા પણ કર્મચારીઓએ આવેદનપત્ર આપી વિનંતી કરી હતી

