વલસાડ: આજરોજ સંસ્થાના આચાર્યા શ્રીમતી રિંકુ શુક્લા તેમજ હીરક મહોત્સવના કન્વીનર ડો. અમિત ધનેશ્વર ની અધ્યક્ષતામાં સંસ્થા ખાતે કાર્યરત NSS યુનિટ દ્વારા મોંઘાભાઇ હોલ સર્કલ વલસાડ ખાતે સામાજીક ઉન્નતિના પ્રયાસ માટે જરૂરિયાતમંદ લોકો માટે પગરખાં, કપડાં અને ટોપી વિતરણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ડો. અમિત ધનેશ્વર દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમોને વિશ્વાસ છે કે વિદ્યાર્થીઓ દ્વારા આવા આયોજન સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે સકારાત્મક પરિવર્તન અને સશક્તિકરણના બીજ વાવી રહ્યા છે, લોકોને રોજબરોજના જીવનમાં કેવી કઠીન પરિસ્થિતીનો સામનો કરવો પડે છે તે પ્રત્યક્ષ જોઇ વિદ્યાર્થીઓમાં પોતાના માતા-પિતા માટે આદર અને સર્વ શક્તિમાનની કૃપાનો ઋણ સ્વીકારની લાગણી ઉદભવશે. NSS પ્રોગ્રામ અધિકારી શ્રી નિરલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે સંસ્થા ખાતે કાર્યરત NSS યુનિટ દ્વારા સામાજીક ઉન્નતિના પ્રયાસ માટે લોકો, પ્રાણીઓ અને પર્યાવરણની સુખાકારી માટે પ્રગતિ થાય તેવા કાર્યક્રમ સંસ્થા દ્વારા વારંવાર હાથ ધરવામાં આવે છે.
વધુમાં તેમણે જણાવ્યું કે કોલેજના વિદ્યાર્થીઓ રીયલ લાઇફ અને રીલ લાઇફમાં રહેલ તફાવત થી અવગત થાય તે સંસ્થાનો વિશેષ ઉદ્દેશ છે. આ કાર્યક્રમમાં વલસાડ જીલ્લાના પત્રકાર પરિષદના પ્રમુખ શ્રી હર્ષદ આહિર ,સંસ્થાના ઇલેક્ટ્રિકલ વિભાગના વડા શ્રી એમ બી ગાંવિત, વહીવટી અધિકારી શ્રી વી જે પટેલ, શ્રી ડી આર પટેલ, શ્રી વિપુલ પટેલ, શ્રી નિરવ પટેલ, શ્રી ચિરાગ ભલસોદ હાજર રહી વિધાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. NSS ટીમ ના તમામ વિધાર્થીઓ તેમજ સ્ટાફ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

