નવસારી: નવસારી જિલ્લાના ચીખલીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મોટું આર્થિક કૌભાંડ સામે આવ્યું છે. હોસ્પિટલના આઉટસોર્સિંગ કર્મચારી સતીષ છનાભાઈ ભોંયાએ 1.64 કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું છે. સતીષ ભોંયા 2016થી 2023 સુધી જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા.

Decision News ને મળેલી માહિતી અનુસાર તેમને હોસ્પિટલના વિવિધ બિલો બનાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ દરમિયાન તેમણે આઉટસોર્સ બિલ, બાયો મેડિકલ વેસ્ટ બિલ, ડીઝલ બિલ, ડાયટ બિલ સહિતના અનેક બિલોમાં ગેરરીતિ આચરી હતી. ગાંધીનગરથી આવેલી ઓડિટ ટીમે પ્રાથમિક તપાસમાં ૨૨ લાખની ગેરરીતિ શોધી કાઢી હતી. પરંતુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં કૌભાંડનો આંકડો 1.64 કરોડ સુધી પહોંચ્યો છે.

આરોપી કર્મચારીએ એક જ બિલના ડબલ પેમેન્ટ કરાવી, અલગ-અલગ વ્યક્તિઓના નામે જુદી-જુદી બેંકોમાં રકમ જમા કરાવી હતી. આ રકમ પછીથી રોકડ અને ગૂગલ-પે મારફતે પરત મેળવી લેતો હતો.હોસ્પિટલના નિવાસી તબીબી અધિક્ષક ડૉ. માલતીબેન પટેલે આ મામલે ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પીઆઈ કે.એચ. ચૌધરીના નેતૃત્વમાં પોલીસે તપાસ શરૂ કરી છે. આ કૌભાંડમાં અન્ય અધિકારીઓ અને કર્મચારીઓની સંડોવણી પણ બહાર આવી શકે છે.