અંકલેશ્વર: અંકલેશ્વરમાં નર્મદા નદી અને તેની કનેક્ટેડ નદીમાં મગર ની હાજરી નોંધાયા બાદ હવે શહેરી વિસ્તારોમાં આવેલા તળાવમાં પણ મગર દેખાય દેતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. અંકલેશ્વર જીઆઇડીસીમાં પાણી પૂરું પાડતા રિઝર્વ તળાવમાં મગર જોવા મળ્યો હતો.

Decision News ને મળેલી માહિતી અનુસાર આ તળાવ ફરતે બનાવાયેલા વોકિંગ વે પર રોજ સવાર અને સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો ચાલવા અને એક્સરસાઇઝ કરવા માટે આવે છે ત્યારે સુરક્ષા અને સલામતી ના હેતુસર અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરીટી દ્વારા તળાવ લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે.આ અંગેની જાણ વન વિભાગને પણ કરવામાં આવી હતી.મગરને પકડવા માટે તળાવમાં જાળી અને પાંજરૂ મૂકવામાં આવ્યું છે.

જીઆઇડીસીના રિઝર્વ તળાવમાં ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં થી પાણી આવે છે પરંતુ પાણીમાં કચરો ન પ્રવેશે તે માટે જાળી મુકવામાં આવી છે ત્યારે તળાવમાં મગર આવ્યો ક્યાંથી એ તપાસનો વિષય છે. નજીકમાં જ આવેલા વરસાદી પાણીની કાંસ માંથી મગર આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે 5 વર્ષ પૂર્વે પણ તળાવ માં મગર નું બચ્ચું નજરે પડયું હતું. જે જોતા એ જ મગર હોવાની શક્યતા ને નકારી શકાય નહિ. વન વિભાગ નાભાવેશ મોભ એ જણાવ્યું હતું કે 6 થી 7 ફૂટ લાંબા મગર ની હયાતી નજરે પડી છે. નોટીફાઈડ વિભાગે પાંજરા ગોઠવી દીધાં છે.