સુરત: ડિસામાં ફટાકડાનાં ગોડાઉનમાં આગ ભભૂક્યા બાદ લિંબાયત ઝોન દ્વારા ડુંભાલમાં HTC-2 માર્કેટની બાજુના ખુલ્લા પ્લોટમાં બનેલાં પ્લાસ્ટિક અને વેસ્ટ મટિરિયલ્સના ગોડાઉન સહિતના 76 પતરાનાં શેડ શનિવારે સ્થાનિકોના વિરોધ વચ્ચે તોડી પાડવામાં આવ્યાં હતાં.

Decision News ને મળેલી માહિતી અનુસાર ટેમ્પરરી સ્ટ્રક્ચરની પરવાનગી લેવામાં ન આવી હોવાથી 2 વર્ષ પહેલાં પણ નોટિસ ફટકારાઈ હતી. તે પછી પણ કોઇ કાર્યવાહી ન કરાતાં પતરાનાં શેડ સીલ મારી દેવાયા હતાં. જોકે લેખિત બાંહેધરી મળતાં સીલ ખોલી દેવાયા પછી પણ આગ લાગે ત્યારે લેવામાં આવતી તાકીદ અંગે કોઇ પ્રતિસાદ ન મળતાં ડીસા અગ્નિકાંડ બાદ લિંબાયત ઝોન દ્વારા શનિવારે 76 પતરાનાં શેડ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

ગ્રાઉન્ડ પર કાટપીટિયા, ગેરેજ-કલર કરવાની દુકાનો અને વેસ્ટ મટિરિયલ્સના ગોડાઉનો હોવાથી આગજનીની સતત ભીતિ વચ્ચે પાલિકાએ કબજેદાર તરફથી ટેમ્પરરી સ્ટ્રક્ચરના બાંધકામની પરવાનગી માટે કોઈ કાર્યવાહી ન કરાતા ટેમ્પરરી ગોડાઉનોના ડિમોલીશનની કામગીરી હાથ ધરાઇ હતી.