ચીખલી: ચીખલીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લાખોની ઉચાપતની તપાસના અહેવાલના આધારે પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરતા આવનાર દિવસોમાં જવાબદારો સામે ગુનો દાખલ થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. ગાંધીનગરની ઓડિટ ટીમ દ્વારા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના તાબામાં આવતા સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં પણ તપાસ હાથ ધરી છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર ચીખલીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં છેલ્લા ઘણાં દિવસોથી ગાંધીનગરની ટીમ દ્વારા ધામા નાંખી તપાસ કરવામાં આવી રહી છે. જેમાં કરાર આધારિત કર્મચારી દ્વારા આઉટ સોર્સિંગના કર્મચારીઓના પગારના બીલ બબ્બે વખત મૂકી લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું હતું.
અત્યાર સુધીમાં આ ઉચાપતની રકમનો આંકડો 22 લાખ રૂપિયા સુધી પહોંચ્યો છે પરંતુ હજુ પણ ગાંધીનગરની ટીમની તપાસ ચાલુ જ હોય એ આંકડો વધવાની શકયતા જણાઇ રહી છે. દરમિયાન ગાંધીનગરની ટીમે અત્યાર સુધીની તપાસનો અહેવાલ પોલીસને આપતા આ અહેવાલના કાગળો ફંગોળી અભ્યાસ કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આગામી દિવસોમાં જવાબદારો સામે ઉચાપત અંગેનો ગુનો દાખલ થવાની શકયતા જોવાઈ રહી છે.

