વાંસદા: વાંસદા પૂર્વ વનવિભાગ રેન્જના માનકુનીયા રાઉન્ડમાં આવેલા ખાટાઆંબા ગામના ડુંગરી ફળિયામાં સાંજે અવાર નવાર દીપડો જોવા મળતો હોવાની વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસરનો સંપર્ક કરી જાણ કરી હતી. જેને પગલે વન વિભાગે સ્થળ નિરીક્ષણ કરી પાંજરૂ ગોઠવતા શુક્રવારે મળસ્કે દીપડી પાંજરે પુરાતા આ વિસ્તારના લોકોને રાહત થઈ હતી.

Decision News ને મળેલી જાણકારી મુજબ વાંસદા તાલુકાના પૂર્વ વન વિભાગના માનકુનીયા રાઉન્ડ વિસ્તારમાં આવેલા ખાટાઆંબા ગામના ડુંગરી ફળિયામાં રહેતા અમૃતભાઈ ઉલુકભાઈ પવારના ઘરની આજુબાજુમાં અવાર નવાર દીપડો સાંજના સમય નજરે પડતો હતો.જેને પગલે અમૃતભાઈએ વાંસદા પૂર્વ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે.ડી.રાઠોડને જાણ કરી હતી.

તેમણે તાત્કાલિક જે વિસ્તારમાં દીપડો નજરે પડતો હતો એ વિસ્તારમાં વન કર્મીઓને મોકલી 1 એપ્રિલના રોજ પાંજરૂ મૂક્યું હતું.આ પાંજરામાં 4 એપ્રિલના રોજ મળસ્કે 3.30 કલાકે દીપડી પાંજરે પુરાઇ હતી આ દીપડી અંદાજિત 2થી 3 વર્ષની છે. આ દીપડી રેન્જ ફોરેસ્ટ ઓફિસરના રહેણાક કંપાઉન્ડમાં રાખી છે. દીપડાના સ્વાસ્થ્યની ચકાસણી વેટરનરી ઓફિસર પાસે કરાવી છે. હવે આગામી સમયમાં દીપડીને જંગલમાં છોડી દેવામાં આવશે.