નર્મદા: નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના કનબુડી ગામે તાજેતરમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે, જ્યાં સોમાભાઈ વસાવા નામના ખેડૂતના કાચા ઘરમાં અચાનક આગ લાગી હતી. આ આગની ઘટનામાં તેમનું આખું ઘર બળીને રાખ થઈ ગયું, જેમાં જીવન જરૂરિયાતનો સામાન, અનાજ અને અન્ય તમામ વસ્તુઓનો સંપૂર્ણ નાશ થયો. સોમાભાઈ વસાવા ચોમાસા આધારિત ખેતી પર નિર્ભર રહીને પોતાનું ગુજરાન ચલાવે છે, અને આ ઘટનાએ તેમના પરિવારને આર્થિક અને માનસિક રીતે તૂટી પડવાની સ્થિતિમાં મૂકી દીધો છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર આગની ઘટનાની જાણ ગામના આગેવાનોએ ટેલિફોનિક માધ્યમથી સ્થાનિક વહીવટી તંત્ર અને રાજકીય નેતાઓને કરી હતી. જેના પગલે જિલ્લા પંચાયતના સદસ્ય હિતેશભાઈ દિવાલભાઈ વસાવા અને ડેડિયાપાડા તાલુકા વિકાસ અધિકારી જગદીશભાઈ સોની તેમની ટીમ સાથે કનબુડી ગામે પહોંચ્યા હતા. હિતેશભાઈએ પીડિત પરિવારને પ્રાથમિક જરૂરિયાતનો સામાન પૂરો પાડયો, જ્યારે વહીવટી તંત્ર દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરીને એક પત્ર લખવામાં આવ્યો. આ પત્રમાં જણાવાયું હતું કે, આગની ઘટનામાં સોમાભાઈ વસાવાના પરિવારને કાચું ઘર, અનાજ અને સામાન સહિત કુલ અંદાજે 8,84,000 રૂપિયાનું નુકસાન થયું છે. વહીવટી તંત્રએ સરકારી યોજનાઓ મારફતે તાત્કાલિક મદદ પૂરી પાડવાની હામી આપી અને પરિવારનું આત્મબળ વધે તે માટે આશ્વાસન આપ્યું.
પરંતુ આ ઘટનાએ ડેડિયાપાડા અને સાગબારા જેવા નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં ફાયર સાધનોની ગંભીર અછતનો મુદ્દો ફરી એકવાર ઉજાગર કર્યો છે. ઉનાળાના સમયમાં આગ લાગવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, પરંતુ આ વિસ્તારોમાં ફાયર બ્રિગેડ કે આગ ઓલવવાના આધુનિક સાધનોનો અભાવ જોવા મળે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, જો સમયસર ફાયર સાધનો ઉપલબ્ધ હોત, તો સોમાભાઈ વસાવાના ઘરને બચાવી શકાયું હોત અને આટલું મોટું નુકસાન ટળી શક્યું હોત.
ડેડિયાપાડા અને સાગબારા જેવા ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં ફાયર સેફ્ટીના સાધનોની અછત એક ગંભીર સમસ્યા બની રહી છે. સ્થાનિક વહીવટી તંત્ર અને સરકારે આ દિશામાં તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકી શકાય અને પીડિત પરિવારોને સમયસર મદદ મળી શકે.











