ભરૂચ: વાલિયા તાલુકાના ચોરઆમલા ગામે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) દ્વારા આયોજિત ગ્રામસભા યોજાઈ હતી. આ સભામાં પ્રાંત અધિકારી, GMDC અધિકારી અને મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામસભા દરમિયાન જમીન સંપાદન અને જંત્રી વધારા સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
Decision News ને મળેલી માહિતી અનુસાર ગ્રામજનોએ લિગ્નાઈટ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનો વિરોધ કર્યો હતો. તેમણે ઠરાવ પસાર કરી જણાવ્યું કે વાંદરિયા-ચોરઆમલા ગ્રૂપ પંચાયતનો વિસ્તાર બંધારણની પાંચમી અનુસૂચિ હેઠળ સુરક્ષિત છે. ગ્રામજનોએ એવી દલીલ કરી કે આ પ્રોજેક્ટથી આદિવાસી વિસ્તારના આર્થિક અને સામાજિક માળખાને નુકસાન થશે.
વળી, પર્યાવરણ અને આદિવાસીઓની પરંપરાગત સંસ્કૃતિ પર પણ વિપરીત અસર થશે. તેમણે આ પ્રોજેક્ટને અટકાવવાની માંગ કરી હતી. આ ઉપરાંત આવી ચોટાલિયા ગામે પણ ગ્રામસભા યોજાઈ હતી. જ્યાં અધિકારીઓએ ગ્રામજનોની રજૂઆતો સાંભળી હતી.

