સુપ્રીમ કોર્ટ: લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોય તેવા કેસોમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. તે જોતા સુપ્રીમ કોર્ટે આ અંગે હવે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે બદલાતા સામાજિક ધોરણોના સંદર્ભમાં, પ્રેમ સંબંધ બગડવાને દુષ્કર્મના આરોપોનો આધાર ન બનાવવો જોઈએ, અને એક લિંગ પ્રત્યે પક્ષપાત ન હોવો જોઈએ.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એમએમ સુંદરેશ અને રાજેશ બિંદલની બેન્ચે બુધવારે જણાવ્યું હતું કે પ્રેમ સંબંધો બગડવા અને યુગલોનુ અલગ થવુ એ આદર્શ રીતે મહિલાઓ માટે દુષ્કર્મના કેસ નોંધાવવાનું કારણ ન હોવું જોઈએ, ખાસ કરીને સમાજમાં બદલાતા નૈતિક મૂલ્યોના સંદર્ભમાં.એક માણસ બળાત્કારના આરોપોને રદ કરવા માટે કોર્ટમાં હાજર થયો હતો. આ આરોપ તેની મંગેતરે જ તેની પર લગાવ્યો હતો, જેના કારણે સગાઈ તૂટી ગઈ હતી. મહિલાએ દાવો કર્યો હતો કે લગ્નના ખોટા વચનો આપીને તેને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
સ્ત્રીને ભોળી ન કહી શકાય:આ કેસમાં પીડિતા તરફથી વરિષ્ઠ વકીલ માધવી દિવાન હાજર થયા હતા. કોર્ટે કહ્યું કે મહિલાએ આવા વરિષ્ઠ વકીલની નિમણૂક કરી છે તે હકીકત પોતે જ સાબિત કરે છે કે તેણીને ભોળી કહી શકાય નહીં. કોર્ટે કહ્યું કે તમે પુખ્ત છો. જેથી એવું ન કહી શકાય કે તમને છેતરીને એવો વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો કે તે તમારી સાથે લગ્ન કરશે.
કોઈ એક લિંગ સાથે ભેદભાવ ન કરો:કોર્ટે કહ્યું કે આવા કિસ્સાઓ ઘણીવાર સમાજની રૂઢિચુસ્ત માનસિકતાનું પરિણામ હોય છે, કારણ કે હંમેશા પુરુષને જ દોષી ઠેરવવામાં આવે છે. આપણે આને ફક્ત એક જ દ્રષ્ટિકોણથી ન જોઈ શકીએ. આપણે કોઈ એક લિંગ પ્રત્યે પક્ષપાત ન કરવો જોઈએ. અમારા ઘરે પણ એક દીકરી છે અને જો તે પણ આવી જ પરિસ્થિતિમાં હોત, તો તેને વ્યાપક દ્રષ્ટિકોણથી જોવું પડે.

