સુરત: સુરતના ભાઠામાં એક અઠવાડિયા પહેલાં દીપડો દેખાયો હતો. આ દીપડો માનવ વસાહતની તદ્દન નજીક 15 દિવસથી આંટા-ફેરા મારીને ગયો હોવાથી વન વિભાગે અલગ-અલગ સ્થળોએ પાંજરા ગોઠવી દીધા હતા. જોકે, એક અઠવાડિયાથી દીપડો વન વિભાગના અધિકારીઓને હંફાવી રહ્યો છે.પાંજરા મૂકવા છતાં દીપડો પકડાયો નથી. બીજી તરફ પાંજરામાં મારણ મૂકવામાં આવ્યું નહીં હોવાનો ગામજનોએ આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત બે દિવસ પહેલાં દીપડાએ ભાઠા અને ભાટપોર ગામની સીમમાં વાછરડાનું મારણ કર્યુ હોવાના પુરાવા મળી આવ્યા છે. આ સાથે લોકો પર હુમલો પણ કરે તેવી દહેશત પણ છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર સુરત શહેરને અડીને આવેલા ભાઠા ગામમાં એક અઠવાડિયા પહેલાં દીપડાના પંજાના નિશાન દેખાયા હતા. દીપડાના પગના નિશાન હોવાથી વન વિભાગે પાંજરા ગોઠવી દીધા હતા. માનવવસ્તી નજીક દીપડો આંટાફેરા મારી રહ્યો હોવાથી ભાઠા ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અગાઉ એકાદ વર્ષ પહેલા ભાઠા ગામમાં દીપડો દેખાયો હતો.ત્યારબાદ દીપડો ક્યાંક ગાયબ થઈ ગયો હતો. હવે ફરીથી દીપડો દેખાતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.
વન વિભાગે પણ દીપડાને પકડવા માટે પાંજરું મૂકી દીધું છે પરંતુ, દીપડાના કોઈ સગડ મળ્યા નથી. વન વિભાગ દીપડાની ગતિવિધિ પર નજર રાખી રહ્યું છે તેમજ ટ્રેકિંગ પણ કરાઈ રહ્યું છે. જેને કારણે વન વિભાગે સ્થાનિકોને સાવચેત રહેવા સાથે રાત્રીના સમયે બહાર નહીં નીકળવા સૂચના આપી છે.બીજી તરફ દીપડાએ બેથી ત્રણ દિવસ પહેલાં ભાઠા અને ભાટપોર ગામની સીમમાં વાછરડાનું મારણ કર્યું હોવાના પુરાવા મળી આવ્યા છે. મારણ કર્યું હોવાના પુરાવા મળતાં વન વિભાગે આ વિસ્તારમાં પણ પાંજરા ગોઠવી દીધા છે. મારણની શોધમાં જ દીપડો આ વિસ્તારમાં ભટકી રહ્યો છે.

