વલસાડ: વલસાડમાં યુવતીઓની સલામતી માટે ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. વલસાડની એક કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીએ અંકુર રાણા નામના યુવક વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી છે. 26 માર્ચના રોજ સવારે 11 વાગ્યે યુવતી તેના મામા સાથે સ્કૂલે પહોંચી હતી. બપોરે 3 વાગ્યે સ્કૂલ છૂટ્યા બાદ તે કલ્યાણી બાગ સર્કલ તરફ જઈ રહી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ સફેદ કાર (GJ-15-C1-0699)માં આરોપી તેનો પીછો કરી રહ્યો હતો.યુવતી રિક્ષામાં બેસીને RPF ઓફિસ સુધી ગઈ. આરોપી ત્યાં સુધી પીછો કરતો રહ્યો. વલસાડ વેસ્ટ રેલ્વે કોલોની પાસે અંકુર રાણાએ કાર પાર્ક કરી યુવતી પાસે આવ્યો. તેણે મોબાઈલ નંબર માગ્યો અને દોસ્તી કરવાનું દબાણ કર્યું. આરોપીએ કબૂલ્યું કે તે છેલ્લા ત્રણ દિવસથી યુવતીનો પીછો કરી રહ્યો છે.

ગભરાયેલી યુવતીને પસાર થતા પડોશીએ મદદ કરી ઘરે પહોંચાડી. યુવતીએ પરિવારને જાણ કરી. મામાએ આરોપીનો પીછો કર્યો પણ તે ભાગી છૂટ્યો. પરિવારે વલસાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ શહેરમાં યુવતીઓની સુરક્ષા અંગે ચિંતા ઊભી કરી છે. લોકોએ આરોપીની ધરપકડ અને કડક કાર્યવાહીની માગણી કરી છે.