ગુજરાત: ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે મોટું પગલું લીધું છે. રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં 3805 અને સરકારી શાળાઓમાં 2853 મળી કુલ 6658 શિક્ષકોની જગ્યાઓ ભરવાની છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે 169 ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણીનો કેમ્પ શરૂ થયો છે. પ્રથમ તબક્કામાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના ઉમેદવારોની ચકાસણી થશે. ત્યારબાદ માધ્યમિક શાળાના ઉમેદવારોનો વારો આવશે. છેલ્લે ગ્રાન્ટેડ શાળાઓના ઉમેદવારોની ચકાસણી હાથ ધરાશે.

દસ્તાવેજ ચકાસણી બાદ રાજ્ય શિક્ષણ વિભાગ ઈન્ટરવ્યૂ લેશે. હાલમાં આ જગ્યાઓ પર જ્ઞાન સહાયકો ફરજ બજાવે છે. નવા શિક્ષકોની નિમણૂક થતાં જ્ઞાન સહાયકોને છૂટા કરવામાં આવશે. ભરતી પ્રક્રિયામાં હાલના શિક્ષકોએ પણ ઉમેદવારી નોંધાવી છે. ટેટ (ટીચર એલિજિબિલિટી ટેસ્ટ) પાસ કરેલા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. બાકી રહેલી ખાલી જગ્યાઓ પર જ્ઞાન સહાયકોની ભરતી કરાશે.