સાપુતારા: ગિરિમથક સાપુતારામાં સરકાર દ્વારા બોટીંગની પ્રવૃત્તિ બંધ કરાઇ હતી. ગત સપ્તાહે ટેબલ પોઈન્ટ ઉપર બંધ પડેલ રોપવેને પુન ચાલુ કરાતા પ્રવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. હવે બોટીંગ એક્ટિવિટી પણ શરૂ કરનાર હોય તેવી સંભાવના પ્રબળ બની છે. રાજય સરકાર દ્વારા બોટિંગ તથા અન્ય એક્ટિવિટી માટે નવી ગાઈડલાઈન બહાર પડાઇ છે. સાપુતારામાં આવેલ સર્પગંગા તળાવમાં મુંબઈની ઝેનિથ એજન્સીએ સર્વેને કામગીરી શરૂ કરી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ એજન્સી દ્વારા જીપીએસ અને અલ્ટ્રાસાઉન્ડ ઉપકરણોની મદદથી બે દિવસ સુધી તળાવનો સર્વે રિપોર્ટ તૈયાર કરાનાર છે અને રિપોર્ટ સરકારને સોંપાશે. આ રિપોર્ટ બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા કરીને સાપુતારામાં બોટિંગ એક્ટિવિટી શરૂ કરાશે. બંધ બોટીંગ ફરી શરૂ કરવાના નિર્ણયથી સ્થાનિક વેપારીઓ સહિત હોટલ એસોસિએશનમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ બોટીંગ ફરી શરૂ કરાય તે માટે સ્થાનિક ધારાસભ્ય  વિજયભાઈ પટેલ અને વલસાડ-ડાંગનાં સાંસદ ધવલભાઈ પટેલે સરકારમાં રજૂઆત કરી હતી ત્યારે આ બોટીંગ ફરી ચાલુ કરાશે તેવા એંધાણ જોવા મળી રહ્યાં છે. જેથી સાપુતારા કરીથી પ્રવાસીઓથી ઉભરાશે તેવી આશા સેવાઇ રહી છે.

GPS- અલ્ટ્રાસાઉન્ડથી સર્વે
સાપુતારાનાં સર્પગંગા તળાવમાં જીપીએસ અને અલ્ટ્રાસાઉન્ડ ઉપકરણોની મદદથી તળાવનો સર્વે કરી તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. તળાવમાં કઈ જગ્યાએ કેટલું ઊંડાણ છે અને કઈ જગ્યાએ શું છે તે અંગેનો સર્વે કરાનાર છે. બે દિવસમાં આ સર્વેનો રિપોર્ટ તૈયાર કરીને સરકારને સોંપવામાં આવશે.  (ઇશ્વરભાઇ પટેલ, એજન્સી)
ક્યાં કેટલું પાણી તેનું મેપિંગ થશે
સરકાર દ્વારા સૂચિત કરાયેલ એજન્સીઓ પૈકી મુંબઈની ઝેનીથ એજન્સી સર્પગંગા તળાવનો સર્વે કરી રહી છે. આ એજન્સીની ટીમ દ્વારા સર્વે કરીને ક્યાં કેટલું પાણી ઊંડું છે તે ચકાસીને તેનો મેપ તૈયાર કરશે અને તેના આધારે આગળ બોટીંગ કરવામાં આવશે. જેથી આકસ્મિક ઘટનાઓ ટાળી શકાય.  (પ્રવિણસિંહ પરમાર, નાયબ મામલતદાર, સાપુતારા નોટીફાઇડ એરિયા કચેરી)