ગરૂડેશ્વર: ગરૂડેશ્વર તાલુકાના અક્તેશ્વર ગામમાં આવેલી પ્રખ્યાત ક્રિષ્ના કાઠિયાવાડી હોટલ તંત્રે શરત ભંગના મામલે સીલ કરી દીધી છે.73 એએ શરત ભંગ બદલ ગરૂડેશ્વર મામલતદારે આ કડક કાર્યવાહી હાથ ધરી છે. તંત્રની આ કાર્યવાહી બાદ હોટલ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

Decision News ને પ્રાપ્ત વિગતો મુજબ ગરૂડેશ્વરના અક્તેશ્વર ગ્રામ પંચાયતમાં આવેલી આ હોટલ જે જમીન પર આવેલી છે, તે જમીનના મૂળ માલિક આદિવાસી છે. પરવાનગી વગર આ જમીન બિન આદિવાસી સંચાલકના હસ્તક આવતા શરત ભંગનો કેસ નોંધાયો હતો. આ જમીનના હસ્તાંતરણ માટે નક્કી કરેલી શરતોનું ઉલ્લંઘન થતા તંત્રએ આ હોટલ સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી હતી.

શરત ભંગના મામલે ગરૂડેશ્વર મામલતદારે અગાઉ હોટલ સંચાલકને નોટિસ ફટકારી હતી અને જમીનના ભોગવટા બદલ જમીનની જંત્રીના બે ઘણા એટલે કે, 33,45,000 રૂપિયાનો દંડ વસૂલવાનો આદેશ આપ્યો હતો. ત્યારે આ દંડ ભરપાઈ કરાયો હોવા બાબતનો કોઈપણ આધાર પુરાવો તેમજ આ જમીનમાં કોઈ જાતનો મનાઈ હુકમ રજૂ કરવામાં આવ્યો નથી, અને અગાઉથી જ આ જમીન શ્રી સરકાર ચાલતી હોવાથી ગરુડેશ્વર મામલતદારે આ જમીનનો શ્રી સરકાર પક્ષે કબ્જો લઈ હોટલને સીલ કરી દીધી હતી. અને જો હોટલમાં કે જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરવામાં આવશે તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે.

આ હોટલ જે જમીન પર આવેલી છે તે હાઈવે માટે અગાઉ જ સંપાદિત થઈ ચૂકી છે. ત્યારે હવે એમ લાગી રહ્યું છે કે, શરત ભંગના કેસમાં કાનૂની કાર્યવાહી થઈ હોવાને કારણે હવે આ જમીનના મૂળ માલિકને સંપાદનનું વળતર મળવું મુશ્કેલ બનશે. અને હોટલ સંચાલકોએ તંત્રના આ નિર્ણય વિરુદ્ધ કોર્ટમાં દાવો દાખલ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.