સાપુતારા: સાપુતારા ડાંગ જિલ્લા પોલીસ વિભાગે અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત થાય તથા લોકોમાં સુરક્ષા અને સલામતીની ભાવના અનુભવાય તે માટે અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ 100 કલાકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે રાજ્યનાં મુખ્ય પોલીસ મહાનિર્દેશક દ્વારા સુચના આપવામાં આવી હતી.
Decision News ને મળેલી માહિતી અનુસાર આ સૂચનાના આધારે ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયાના સુપરવિઝન તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.જી. પાટીલનાં માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લામાં સક્રિયપણે દારૂ-ચોરી તથા ઘરફોડ ચોરી તેમજ પાસા-તડીપાર જેવા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ કુલ 9 અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું.
તેમના ગેરકાયદેસર બાંધકામ, સરકારી જમીન ઉપર દબાણ, ગેરકાયદેસર વીજ કનેક્શન,બેન્ક એકાઉન્ટ/ નાણાકીય વ્યવહાર, ભાડુઆત રજીસ્ટ્રેશન વગેરે ગેરકાયદેસર મિલકત/ દબાણ જણાઈ આવે તો તે અંગે કાયદેસરની કાર્યવાહી કરવાની તપાસ કરવામાં આવી રહી છે. ડાંગ જિલ્લામાં સક્રિયપણે દારૂ-ચોરી તથા ઘરફોડ ચોરી તેમજ પાસા-તડીપાર થયેલા જેવા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ કુલ 9 અસામાજિક તત્વો સામે ડાંગ જિલ્લા પોલીસ વિભાગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરતા જિલ્લાનાં અસામાજીક તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.

