નર્મદા: કેવડીયામાં આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ યાત્રા ધામને દેશના અન્ય વિસ્તારો સાથે વધુ સારા રેલવે સંપર્કથી જોડવા વડોદરા-ડભોઇ-કેવડીયા બ્રોડગેજ રેલવે લાઇન તૈયાર કરવામાં આવી. પરંતુ, રેલવે લાઇનના નિર્માણ સમયે ખેડૂતોને આપવામાં આવેલા વચનો આજે પણ અધૂરા છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ ખેડૂતોની પીડા – દર ચોમાસે ખેતરોમાં પાણી ભરાઈ જાય વહીવટી તંત્ર અને રેલવે અધિકારીઓ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે સાંજરોલી અને કોયારી ગામ વચ્ચે પાણી નિકાલ માટે ગરનાળું બનાવવામાં આવશે, જેથી ખેડૂતોની ખેતીને નુકસાન ન થાય. જોકે, રેલવે લાઇન શરૂ થયે 6 વર્ષથી વધુ સમય વીતી ગયો, પરંતુ આજ દિન સુધી પાણી નિકાલ માટે કોઈ પાયાની વ્યવસ્થા કરવામાં આવી નથી.
હાલત કેવી છે ?
દરેક ચોમાસે સાંજરોલી, અકતેશ્વર, કોયારી (ભાદરવા), કોયારી (ગરૂડેશ્વર), વેલાડી, ગભાણા સહિત ૨૦૦થી વધુ ખેડૂતોની ખેતીની જમીન તળાવમાં ફેરવાઈ જાય છે. પાણી ભરાઈ જતાં પાક નષ્ટ થઈ જાય છે, અને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડે છે. એક બાજુ સરકાર કિસાન કલ્યાણની વાતો કરે છે, અને બીજી બાજુ ખેડૂતોની જમીન વહીવટી તંત્રની નિષ્ક્રિયતાના કારણે નુકસાન સહન કરે છે.
વચનો તો મળ્યા, પણ હકીકતમાં શું ?
ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, આ વર્ષ દરમિયાન પણ ધારણા કરી રેલ્વે રોકો આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી ત્યારે રેલવે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓના નેજા હેઠળ રેલવે અધિકારીઓએ વચન આપ્યું હતું કે, દિવાળી પછી કામગીરી શરૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી, પણ હવે હોળી આવી ગઈ અને થોડા મહિનાઓ પછી ચોમાસું નજીક છે, છતાં કોઈ કામગીરી શરૂ થઈ નથી. ત્યારે સવાલ થાય છે શું આદિવાસી ખેડૂતો છે એટલે વહીવટી તંત્ર ધ્યાન આપતું નથી.??
ખેડૂતો રેલવે અને સ્થાનિક વહીવટી તંત્ર સામે આક્રોશિત છે. ખેતી આધારિત જીવન જીવતા આ ખેડૂતો માટે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી તંત્રની જવાબદારી છે, પરંતુ સતત ઉદાસીનતાને કારણે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની છે.
શું આ ચોમાસા પહેલા અધિકારીઓ ખેડૂતો માટે વચન પૂરું કરશે? કે ફરી એક વખત ખેડૂતોને નુકસાન ભોગવવું પડશે ?

