ચિખલી: ચાલુ વર્ષે આદિવાસી ખેડૂતોના આંબાવાડીમાં પુષ્કળ મોર આવ્યો, પાંદડાં કરતાં મોર વધારે આવ્યા પણ પાછળથી ખરાબ હવામાનને લીધે બધો જ મોર સુકાઈ ગયો, કેરીમાં થી સારી આવકની ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફરી વળ્યું.
ઘોડવણી ગામના જાગૃત આદિવાસી ખેડૂત ઠાકોર કાકા જણાવે છે કે ધરતી ઉપરના એકાએક બદલાતા વાતાવરણ માટે કોણ જવાબદાર એવો મગજમાં પ્રશ્ન ઉદભવતાં ની સાથે જ જવાબ પણ તરત જ મળી જાય. “આપણે જ”. પર્યાવરણની જરા પણ ચિંતા ન કરી, આડેધડ વૃક્ષોની હત્યા, શહેરીકરણનો આંધળો વિકાસ, કુદરતી સંશાધનો ઉપર માનવીનો કબજો, પર્યાવરણનું ધનોતપનોત કાઢી નાખે એવા માનવસર્જિત ઉત્પાદનો જેવાં કે પ્લાસ્ટિક, સીએફસી અને આપણે ન જાણીએ એવું ઘણું બધું જેના કારણે ચોમાસામાં અતિવૃષ્ટિ અને તેના કારણે કુદરતી હોનારતો, ઊનાળામાં ભયંકર ગરમી અને શિયાળામાં અપૂરતી ઠંડી. કુદરતની પ્રક્રિયામાં માનવીય હસ્તક્ષેપ નું પરિણામ. જીવમાત્ર અત્યારે કુદરતના પ્રકોપનો ભોગ બની રહ્યો છે પણ માણસ ક્યારેય એના માટે વિચારશે ખરો? એક દિવસ તો વિચારવું જ પડશે નહિતર માનવજાતનું અસ્તિત્વ જોખમમાં આવશૈ એ નિશ્ચિત છે. આમાં જગતનો તાત, પાલનહાર એવો ખેડૂત જાય તો ક્યાં જાય? આંગળીના વેઢે ગણાય એવા પાંચ- સાત હાઈટેક ખેતી કરતા ખેડૂતોની સ્ટોરી સોશિયલ મીડિયા મીડિયામાં મુકીને સંતોષ માનીએ કે ભારતદેશમાં હાઈટેક ખેતી કરીને ખેડૂતો લાખો રૂપિયા કમાય છે પણ ૯૯% ખેડૂતો તો પરંપરાગત ખેતી કરે છે અને પાકમાં કેટલું ખાતર આપવું કે દવાઓ કઈ અને કેટલી છાંટવી તેનું પણ જ્ઞાન નથી હોતું એ ક્યાં જાય..
મૂળ વાત ઉપર આવીએ તો આંબાના નિષ્ફળ પાકમાં રહીસહી કેરીમાં જો ફળ ઉપર પેપર બેગ લગાવવામાં આવે તો વાતાવરણની અસર થતી નથી અને બારમાં લગભગ બમણો ભાવ મળી રહે છે. ચાલુ વર્ષે આંબાવાડીમાં કેરી ઉપર પેપરબેગ લગાવવાનો એક પ્રયોગ કર્યો છે. લગભગ આ સીઝન પેપરબેગ લગાવવાનો સમય છે, આંબાવાડી ખેડૂત મિત્રો આનો લાભ લે અને પાકનું મૂલ્યવર્ધન મેળવી શકે છે.

