ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા વાલિયા અને નેત્રંગ સહિતના ટ્રાયબલ તાલુકાઓમાં આદિવાસી સમુદાયના લોકો આરોગ્ય, શિક્ષણ અને પ્રાથમિક સુવિધાઓ સહિતની વિવિધ પ્રશ્ને હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે આ મુદ્દે આદિવાસી મહાસંઘ ગુજરાત દ્વારા નેત્રંગ તાલુકાના ગામોના વિવિધ પ્રશ્નો બાબતે 28 જેટલા મુદ્દાઓને લઈને નેત્રંગ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યું છે કે નેત્રંગ તાલુકાના ગામોમાં પાણી પુરવઠાના Wasmo દ્વારા નલ સે જલ અંતર્ગત પાણીની મોટી મોટી ટાંકીઓ તો બનાવવામાં આવી તો છે પરંતુ આજદિન સુધી ટાંકીઓમાં પાણી જ નથી પહોંચ્યું, આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં આવેલ ખેડૂતો ની રેવન્યુ જમીનના7,12,8 અ ઉતારામાં સિંચાઈના સ્ત્રોતો અને જમીનના સેઢા પર રહેલા વૃક્ષોની સર્વે કરી એન્ટ્રી કરવા માટે માંગ કરવામાં આવી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ તાલુકાની ઘણી પ્રાથમિક શાળાઓમાં 1 થી 5 ધોરણ માટે ફક્ત એક જ શિક્ષક હોય તેમજ ધોરણ 6 થી 8 માટે વિષય પ્રમાણે નથી તેવી શાળાઓમાં કાયમી શિક્ષકની નિમણૂક અને વિધાર્થીઓ માટે હોસ્ટેલ ફાળવવા સહિતની માગણી કરવામાં આવી છે. વધુમાં જણાવ્યું છે કે ઘણી ગ્રામ પંચાયતોમાં ગ્રામ પંચાયત મકાન, કોમ્યુનિટી હોલ, આંગણવાડી, સ્મશાન ગૃહ જેવી સુવિધાઓ ઉપલબ્ધ નથી તો સત્વરે આ સુવિઘા ઓ ઉપલબ્ધ કરાવવામાં આવે એવી માંગ આવેદનપત્રમાં કરવામાં આવી છે. ઉપરોક્ત તમામ મુદ્દે દિન ૩૦ માં કાર્યવાહી કરવામાં આવે એવી આશા વ્યક્ત કરવામાં છે.

