વાપી: વાપી સહારા માર્કેટ સામે રિલાયન્સ કંપનીની ખુલ્લી જગ્યામાં એક 40-45 વર્ષના અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી. સુરક્ષાગાર્ડ જીવાલાભાઈ કુરકુટિયાની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.વલસાડ SP ડો. કરનરાજ વાઘેલા અને સુરત ICP પ્રેમ વીર સિંહના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવવામાં આવી હતી.
Decision news ને મળેલી જાણકારી મુજબ CCTV ફૂટેજ અને ટેક્નિકલ એનાલિસિસના આધારે તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ વ્યક્તિઓ ભીખારી જેવા લાગતા હોવાથી રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને ફૂટપાથ પર તપાસ કરવામાં આવી હતી.વાપી રેલવે સ્ટેશન બહારથી ત્રણ શખ્સોને પકડવામાં આવ્યા હતા.
મુખ્ય આરોપી આદેશ ઉર્ફે આદુ રામશેઠ અમરીયા ભોસલે (19 વર્ષ, મહારાષ્ટ્ર) અને બે સગીર આરોપીઓએ કબૂલાત કરી કે તેઓ મૃતકને અપંગ બનાવી બળજબરીથી ભીખ મંગાવવા માંગતા હતા.મૃતકે વિરોધ કરતા આરોપીઓએ લાકડાના ફટકા માર્યા હતા જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે મુખ્ય આરોપી અને બે સગીર આરોપીઓને વાપી ટાઉન પોલીસ સ્ટેશનને સોંપ્યા છે. આ ગુનામાં વધુ તપાસ ચાલુ છે.

