વલસાડ: વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ મુલાકાત લીધી હતી. તેમણે 450 બેડની નામો હોસ્પિટલના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કર્યું હતું. સાથે જ 650 બેડની નવી નામો હોસ્પિટલનું ભૂમિપૂજન પણ કર્યું હતું.
સાયલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી જનસભામાં પ્રશાસક પ્રફુલ પટેલે વડાપ્રધાનને મેવાડી પાઘ પહેરાવી સન્માનિત કર્યા હતા. વડાપ્રધાને મેવાડી પાઘ પહેરીને જ લોકોને સંબોધ્યા હતા. તેમણે લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા અનુરોધ કર્યો હતો.
ખાસ કરીને રોજના ખોરાકમાં તેલનો વપરાશ 10 ટકા ઘટાડવા અપીલ કરી હતી.વડાપ્રધાને સંઘ પ્રદેશમાં વિતાવેલા ભૂતકાળને યાદ કર્યો હતો. પ્રશાસક પ્રફુલભાઈ પટેલે છેલ્લા 10 વર્ષમાં દાદરા નગર હવેલીમાં થયેલા વિકાસની વિગતો રજૂ કરી હતી. તેમણે શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની માહિતી વડાપ્રધાન સમક્ષ મૂકી હતી.

