વલસાડ: સદીઓથી ભારતમાં મહિલાઓની પૂજા થતી આવી છે. આજે પણ મહિલાઓ વગર સમાજની કલ્પના પણ કરી શકાતી નથી. સમાજમાં મહિલાઓનું યોગદાન હોય કે પછી આર્થિક ક્ષેત્રે તેમની પ્રગતિ હોય, તેઓ દરેક ક્ષેત્રમાં પુરુષો સાથે ખભેખભા મિલાવીને આગળ વધી રહી છે. જ્યાં સુધી મહિલાઓ દરેક ક્ષેત્રમાં સ્વતંત્ર અને સશક્ત ન બને ત્યાં સુધી સમાજનો વિકાસ શક્ય નથી. દર વર્ષે, વિશ્વભરના દેશો મહિલાઓના અધિકારો, સમાનતા અને તેમના યોગદાનને માન આપવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ છે. આ દિવસની ઉજવણીનો હેતુ સમાજમાં મહિલાઓની ભૂમિકાને સ્વીકારવાનો અને તેમને આગળ વધવા માટે પ્રેરણા આપવાનો છે.

શું છે આ દિવસનો ઇતિહાસ..?

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઈતિહાસ વર્ષ 1908નો છે. તે વર્ષે ન્યૂયોર્કમાં 15,000 થી વધુ મહિલાઓએ એક સાથે કૂચ કરી હતી અને તમામ કાર્યકારી મહિલાઓએ સાથે મળીને કામના કલાકોમાં ઘટાડો, વધુ સારા પગાર અને મતદાનના અધિકારની માંગ સાથે પ્રદર્શન કર્યું હતું. એક વર્ષ પછી, ૧૯૦૯માં, અમેરિકાની સમાજવાદી પાર્ટીએ ૨૮ ફેબ્રુઆરીના રોજ પ્રથમ રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી. જર્મન સામાજિક કાર્યકર ક્લેરા જેટકીને 1910માં આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદમાં દર વર્ષે મહિલા દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. જે પછી 1911માં ઓસ્ટ્રિયા, ડેન્માર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જો કે વર્ષ 1975માં સંયુક્ત રાષ્ટ્રએ 8 માર્ચે મહિલા દિવસની ઉજવણીને માન્યતા આપી હતી.

કઈ રીતે ઉજવાય છે આ દિવસ..?

દર વર્ષે 8 માર્ચે મહિલાઓની હિંમત વધારવા, તેમના દેશ અને વિશ્વની પ્રગતિમાં ફાળો આપવા અને તેમની પ્રશંસા કરવા માટે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. મહિલા દિવસ નિમિત્તે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવે છે. તે જ સમયે, મહિલાઓના અધિકારો અને જાગૃતિ માટે રેલીઓ અને સેમિનાર જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મહિલાઓના સ્વાસ્થ્ય, શિક્ષણ અને કારકિર્દી સંબંધિત વિષયો પર ચર્ચા કરવામાં આવે છે.

શું છે આ વર્ષની થીમ..?
દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ હોય છે. 1975માં સંયુક્ત રાષ્ટ્રસંઘ તરફથી માન્યતા મળ્યા બાદ સૌપ્રથમ વર્ષ 1996માં એક થીમ રાખવામાં આવી હતી, જેને સેલિબ્રેટિંગ ધ પાસ્ટ એન્ડ પ્લાનિંગ ફોર ધ ફ્યુચર નામ આપવામાં આવ્યું હતું. 2024 ની થીમ ઇન્સ્પાયર ઇન્ક્યુઝન છે, જેનો ઉદ્દેશ્ય દરેક ક્ષેત્રમાં મહિલાઓને સમાન તક અને ભાગીદારી પૂરી પાડવાનો છે. આ વર્ષે મહિલા દિવસ 2025 ની થીમ એક્સિલરેટ એક્શન છે. આ થીમ તમામ મહિલાઓ અને છોકરીઓ માટે અધિકારો, સમાનતા અને સશક્તિકરણ પર આધારિત છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here